કેરળ : પાંચ દાયકા સુધી કલ્યાણી અમ્માની સંભાળ રાખ્યા બાદ મુસ્લિમ ભાઈઓએ તેમના અંતિમ સંસ્કાર કર્યા; મલપ્પુરમની મસ્જિદે હિન્દુ મહિલાની અંતિમવિધિ માટે પોતાના દ્વાર ખોલ્યા

 

કેરળના વાયનાડમાં બે મુસ્લિમ ભાઈઓએ કલ્યાણી અમ્મા નામના હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા, જેમની તેમણે લગભગ પાંચ દાયકા સુધી પોતાની માતાની જેમ સંભાળ રાખી હતી, બીજી તરફ મલપ્પુરમની એક મસ્જિદે કેન્સરથી અવસાન પામેલાં પ્રેમલતા નામના હિન્દુ મહિલાની અંતિમવિધિની તૈયારીઓ માટે પોતાના દરવાજા ખોલી આપ્યા

 

(એજન્સી) તા.૧૨
કેરળની બે ઘટનાઓ દર્શાવે છે કે, કેવી રીતે માનવતાના બંધનો ધાર્મિક ઓળખથી ઉપર હોય છે. એક કિસ્સામાં, બે મુસ્લિમ ભાઈઓએ લગભગ પાંચ દાયકા સુધી સંભાળ રાખેલી એક વૃદ્ધ હિન્દુ મહિલાની અંતિમ ઈચ્છા પૂરી કરી; જ્યારે બીજા કિસ્સામાં, એક મસ્જિદે હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર માટે પોતાના દ્વાર ખુલ્લા મૂક્યા. વાયનાડના મુટ્ટમ સ્થિત ચિત્રગિરીમાં, રઝાક અને સુલેમાન નામના બે ભાઈઓએ કલ્યાણી અમ્માની લગભગ પાંચ દાયકા સુધી પોતાની માતાની જેમ સંભાળ રાખી હતી, જો કે તેઓ તેમના સગા પુત્રો નહોતા. જ્યારે ૮૫ વર્ષીય કલ્યાણી અમ્માનું અવસાન થયું, ત્યારે આ બંને ભાઈઓએ તેમની અંતિમ ઈચ્છાનું સન્માન કર્યું અને પુત્રોની જેમ પ્રેમ અને ગરિમા સાથે તેમને વિદાય આપી. રઝાકે જણાવ્યું કે, તેઓ બે વર્ષના હતા ત્યારથી જ કલ્યાણી અમ્મા તેમના જીવનનો હિસ્સો હતા. તેમણે અને તેમના પરિવારે હંમેશા તેમને પોતાની માતા જ ગણ્યા હતા. તેમણે કહ્યું, ‘શું તેઓ મારી માતા નથી ? તો પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં અમારે સંકોચ શા માટે કરવો જોઈએ ? તેઓ કોઈ પારકા નહોતા; અમારા માટે તેઓ અને મારી પોતાની માતા સમાન જ હતા. બીજું કોઈ નહોતું, તેથી જે કરવું જરૂરી હતું તે અમે કર્યું.’ આ પરિવારે કલ્યાણી અમ્માની વૃદ્ધાવસ્થામાં તેમનો સાથ આપ્યો અને અકસ્માતે આગમાં દાઝી ગયા પછી પણ તેમની પડખે ઊભા રહ્યા. તેઓ રઝાકના ઘરે જ રહેતા હતા. પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, દવાઓ લાવી આપી અને બીમારી દરમિયાન તેમની પૂરી સંભાળ રાખી. તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી તેમની સાથે જ રહ્યા. રઝાકની પત્નીએ કહ્યું કે, કલ્યાણી અમ્માના તેમના જીવનમાં હોવાથી તેમને આશીર્વાદ મળ્યા છે અને તેમનો પરિવાર દરેક તહેવાર તેમની સાથે મળીને ઉજવતો હતો.તેમણે કહ્યું, ‘આગમાં દાઝી જવાથી થયેલી ઈજાઓ અને ઘટતા સ્વાસ્થ્યને કારણે મુશ્કેલીઓ હોવા છતાં તેમની સંભાળ રાખવી ક્યારેય બોજ જેવું લાગ્યું નથી.’ કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને કહ્યું, ‘આ એવું કેરળ છે જેને હું જાણું છું, જેના પર પ્રેમ કરૂં છું અને જેમાં હું વિશ્વાસ રાખું છું. અહીં, માતાનો પ્રેમ ધર્મ જોતો નથી. પુત્રની ફરજ જ્ઞાતિ વિશે પૂછતી નથી. અને દુઃખ, પ્રેમની જેમ જ, આપણા બધાનું સમાન રીતે છે.’ કેરળને વિશેષ બનાવતી બાબતનું વર્ણન કરતા સતીશને કહ્યું, ‘એક એવી ભૂમિ જ્યાં પ્રેમ કોઈ ધર્મને જાણતો નથી, કરૂણા કોઈ જ્ઞાતિને ઓળખતી નથી અને માનવતા આપણને એકબીજા સાથે જોડે છે. ખરેખર, હૃદયને સ્પર્શી જાય તેવો નજારો.’તેમણે કહ્યું, ‘આપણે સૌ એક છીએ. કેરળની આ ભવ્ય ભાવના સમગ્ર ભારતને પ્રેરણા આપે.’મસ્જિદના દ્વાર ખૂલ્યા : અન્ય એક કિસ્સામાં, મલપ્પુરમના ચંગારમકુલમમાં આવેલી ‘પલ્લિકારા ખદીજા મસ્જિદ’ ૫૨ વર્ષીય હિન્દુ મહિલા પ્રેમલતાના અંતિમ સંસ્કારની તૈયારીઓનું સ્થળ બની. કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના ભાડાના મકાનમાં જગ્યા ઓછી હોવાથી પરિવારજનોને મૃતદેહને સ્નાન કરાવવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે મસ્જિદના સંચાલકો અને સ્થાનિક રહેવાસીઓ મદદ માટે આગળ આવ્યા અને મસ્જિદની અંદર જ જરૂરી વ્યવસ્થા કરી આપી. પ્રેમલતાના સંબંધીઓ, સ્થાનિક રહેવાસીઓ અને ‘વિમેન્સ લીગ’ના નેતાઓએ સાથે મળીને અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરવામાં મદદ કરી.તેમના ઘરે અંતિમ દર્શન બાદ, પોન્નાનીના ઈશ્વરમંગલમ ખાતે આવેલા સાર્વજનિક સ્મશાનગૃહમાં તેમના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks