કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની તાજ પોશીના એક દિવસ પહેલા સોનિયા ગાંધીએ કહ્યું, ‘મારી ભૂમિકા નિવૃત્ત થવાની’

નવી દિલ્હી, તા. ૧૫
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સક્રીય રાજનીતિને અલવિદા કહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને નવા અધ્યક્ષ ચૂંટી લીધા છે. રાહુલ ગાંધી ૧૬મી ડિસેમ્બરે ઔપચારિક રીતે પાર્ટી અધ્યક્ષ બની જશે. શુક્રવારે પત્રકારોએ સોનિયાને ભવિષ્યની ભૂમિકા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, હવે તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે. સોનિયાએ કહ્યું કે, તેમનો પુત્ર રાહુલ ગાંધી ત્રણ વર્ષથી સક્રીય ભૂમિકા નિભાવી રહ્યો છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, સોનિયા ગાંધી સંપૂર્ણ રીતે નિવૃત્ત થઇ રહ્યા છે કે, ફક્ત લોકસભામાંથી, તેઓ તબીયત સારી ન હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી રાજનીતિથી દૂર રહ્યા છે. આના કારણે જ તેઓ ગુજરાતના મહત્વના ચૂંટણી પ્રચારમાં પણ અળગા રહ્યા હતા. સોનિયા ગાંધીએ ૧૯૯૮માં કોંગ્રેસના અધ્યક્ષ પદને સંભાળ્યું હતું. અધ્યક્ષ તરીકે તેમણે ૧૯ વર્ષ કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં જ કોંગ્રેસે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯માં લોકસભા ચૂંટણીઓ જીતી હતી. સોનિયા ગાંધી આ દરમિયાન યુપીએના અધ્યક્ષ પણ રહ્યા હતા. સોનિયાએ ગત ૯મી ડિસેમ્બરે જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. ૭૨ વર્ષના સોનિયા ગાંધીએ છેલ્લા એક વર્ષમાં રાજકીય સક્રીયતા ઓછી કરી દીધી હતી. જોકે, સોનિયાના નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યંુ છે કે, તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થઇ રહ્યા છે પરંતુ લોકસભા અને રાજકારણમાંથી રિટાયર નથી થઇ રહ્યા. તેમનો આશિર્વાદ, જ્ઞાન અને કોંગ્રેસની વિચારધારા પ્રત્યે તેમનું સમર્પણ પાર્ટીને હંમેશા મળતું રહેશે. તેઓ પાર્ટી માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે.
સોનિયા ગાંધીની નિવૃત્તિ અંગે કોંગ્રેસની
સ્પષ્ટતા : તેઓ રાજકારણમાંથી નિવૃત્ત નથી થયા
સોનિયા ગાંધી જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઇ રહ્યા છે પરંતુ રાજકારણમાંથી નહીં. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને કમાન સોંપી છે પરંતુ પક્ષને દોરવણી માટે તેમના આશિર્વાદ હંમેશા મળતા રહેશે. સોનિયા ગાંધીએ દિલ્હીમાં પત્રકારો સમક્ષ જણાવ્યંુ હતું કે, હું હવે નિવૃત્ત થઇ રહી છું જે બાદ એવી વાતો ફેલાઇ હતી કે, તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. રણદીપ સુરજેવાલાએ ટિ્‌વટર પર લખ્યું હતું કે, સોનિયા ગાંધી ભારતીય નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નિવૃત્ત થઇ રહ્યા છે પરંતુ રાજકારણમાંથી નહીં. સોનિયા ગાંધી ૧૩૨ વર્ષ જુની પાર્ટીના ૧૯ વર્ષ સુધી અધ્યક્ષ પદે રહ્યા હતા. નવા ચૂંટાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૬મીએ શનિવારે પોતાનું પદ ગ્રહણ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks