(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.પ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો માટે આગામી તા.૯થી ૧૧ ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ માટે લોકશાહી સંસદીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુનાદરા ગામે દહેગામ-કપડવંજ રોડ પર આવેલ નંદનબાગ વાત્રિકામાં યોજાનાર આ શિબિરમાં વિધાનસભાને લગતી સંસદીય કામગીરી તેમજ પ્રજાકીય પ્રશ્નો અંગે વિપક્ષની ભૂમિકા સોશ્યલ મીડિયાનું મહત્વ તથા સત્તા અને સંગઠનને લગતી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સંસદીય પ્રશિક્ષણ શિબિરમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત રાજયના પ્રભારી અશોક ગેહલોત, સંસદસભ્ય અહમદભાઈ પટેલ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મધુસુદન મિસ્ત્રી તથા દીપક બાબરિયા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીઓ અને ગુજરાત રાજયના સહ પ્રભારીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિતના પ્રદેશના અન્ય આગેવાનો અને સંસદીય બાબતોના તજજ્ઞો ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપશે તેમજ તા.૧૦ ફેબ્રુઆરી, ર૦૧૮ના રોજ પીઆરએસ લેજીસ્લેટીવ રીસર્ચ સંસ્થાના તજજ્ઞો દ્વારા તેમજ તા.૧૧ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ જવાહરલાલ નહેરૂ લીડરશીપ ઈન્સ્ટીટયૂટના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્યોને કઈ-કઈ જાણકારી અને તાલીમ અપાશે ?
• ગુજરાતનો સંસદીય ઈતિહાસ
• વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવાની વિવિધ રીત
• વિધાનસભામાં વિવિધ સમિતિઓ અને કાર્યરીતિ
• વિધાનસભામાં મૌખિક રજૂઆતની કળા અને પ્રણાલિકાઓ
• વિધાનસભામાં ધારાસભ્યોના અધિકાર, ફરજો અને સવલતો
• વિધાનસભામાં વિધેયક પ્રસ્તાવ અને વિવિધ વૈદ્યાનિક બાબતો
• વિધાનસભામાં ધારાસભ્યને પ્રીન્ટ અને ઈલે. મીડિયા સાથે સંવાદ
• સોશિયલ મીડિયાનો જનમાનસ પર પ્રભાવ અને અનુરૂપ વ્યવસ્થાપન
• રાજય અને રાષ્ટ્રસ્તરે ભાજપ સરકારની નિષ્ફળતાઓ
• કોંગ્રેસનો ઈતિહાસ અને વિચારધારા
• વાત સાંભળવાની કળા અને અસરકારક રજૂઆતની પધ્ધતિ
• ટીમ બનાવવા તથા સંભાળવાની કળા
• જાહેર જીવનમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને જનપ્રતિભાવનું મહત્વ