(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
ગુજરાતના રાજ્યસભાના ચાર સાંસદોની ચૂંટણી કાર્યવાહી હાથ ધરાતાં તેમાં ગતરોજ ઉમેદવારીપત્રો ભરાયા બાદ આજે તેની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાના ફોર્મને લઈને દિવસ દરમિયાન ભારે સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. નારણ રાઠવાના ‘નો ડ્યુ સર્ટિફીકેટ’ને લઈને તેમનું ફોર્મ રદ થયાની મોડે સુધી ચાલી રહેલી અટકળો બાદ આખરે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ માન્ય રાખતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. આ અંગે કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આખરે સત્યનો વિજય થયો છે અને ભાજપની ખોટી નીતિ ખુલ્લી પડી ગઈ છે.
ગુજરાતના ચાર સાંસદોની ખાલી પડી રહેલી બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીની કાર્યવાહીમાં તા.ર૩મી માર્ચે મતદાન યોજાનાર છે. ગતરોજ ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ પોત-પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા તે બાદ આજે ચૂંટણી અધિકારી દ્વારા તે અંગેની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ભાજપના ત્રણે ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને કિરીટસિંહ રાણાના ઉમેદવારી પત્રકો માન્ય કર્યા હતા. તે પછી અન્ય ફોર્મ ચકાસણીમાં તબક્કાવાર કોંગ્રેસના અમી યાજ્ઞિક અને તે પછી નારણ રાઠવાના પણ ફોર્મ માન્ય ઠર્યા હતા. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર પરેશ મુલાણીનું ફોર્મ રદ થયું હતું.
જો કે આજે નારણ રાઠવાના ફોર્મ અંગેની અટકળો બાદ તેમનું ફોર્મ માનય ઠરતાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે નારણ રાઠવાનું ફોર્મ માન્ય રહેતા ભાજપને મોટી લપડાક પડી છે. આ સાથે ભાજપની ખોટી નીતિ ખુલ્લી પડી ગઈ છે. તો કોંગ્રેસની સામે ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નારણ રાઠવાનું નો ડ્યુ સર્ટિફિકેટ ખોટું છે, તે અંગે લોકસભા સ્પીકરને રજૂઆત કરી છે. કોંગ્રેસનો આંતરિક કલહ આ સાથે બહાર આવ્યો છે. ફોર્મ ૩.૦૦ વાગે જમા કરાવવાનો આખરી સમય હતો અને બીજી તરફ લોકસભામાંથી ૩.૩૦ કલાકે નો ડ્યુ સર્ટિ. ઈશ્યુ થયું છે તો આ જમા કઈ રીતે થયું એટલે સર્ટિ. સામે વાંધો ઉઠાવ્યો છે તે ખોટો હોઈ શકે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.
નારણ રાઠવાની ઉમેદવારી સામે ભાજપે લેખિત વાંધા રજુ કર્યા હતા તો કોંગ્રેસ દ્વારા પણ મનસુખ માંડવિયા અને રૂપાલાના ફોર્મ અંગે વાંધા ઉઠાવાયા હતા. ઉમેદવારો સામે રજૂ થયેલા વાંધા અંગે ર૪ કલાકમાં ચૂંટણી અધિકારીએ નિર્ણય આપવો પડે તેમ હોઈ આવતીકાલે બપોરે દોઢ વાગ્યા સુધી નિર્ણય લેવાઈ શકે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
લોકસભા સ્પીકર અને રેલવે મંત્રાલયના
નો-ડયુ સર્ટી મુદ્દે તપાસના આદેશ
રાજયસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહી છે. સોમવારના રોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે મામલે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાની ઉમેદવારી વિશે વાંધા ઉઠાવ્યા છે. નારણ રાઠવાના નો-ડયુ સર્ટી અંગે ભાજપે લોકસભા સ્પીકરને રજુઆત કરી હતી. જેના અનુસંઘાને લોકસભા સ્પીકરે અને રેલવે મંત્રાલય તપાસના આદેશો જારી કર્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસકોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે નારણ રાઠવા રજૂ કરેલુ નો-ડયુ સર્ટિફિકેટ ખોટું છે. નારણ રાઠવા એ ૩ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફોર્મ જમા કર્યું છે અને નો-ડયું સર્ટિફિકેટ ૩-૩૦ વાગે ઈશ્યુ થયું હતું. તો ૩ વાગે રજૂ કરેલ સર્ટી. નારણ રાઠવા લાવ્યા કયાંથી અને તેઓ આ અંગે ખુલાસો કરે તથા તે સર્ટી. ખોટી રીતે લાવ્યા હોય તેવી પણ સંભાવના રહેલી છેતેમ જણાવ્યું હતું. આ નો-ડયુ સર્ટિફિકેટ મામલે ભાજપે લોકસભા સ્પીકરને રજુઆત કરાઈ હતી. જેના અનુસંધાને લોકસભા સ્પીકરે દિલ્હી પોલીસને તપાસના આદેશ આપ્યા હતા તથા રેલવે મંત્રાલયે પણ તપાસના આદેશ જારી કર્યા હતા.