યુપીમાં ભાજપે નવ બેઠક જીતી, તૃણમુલના ચાર, કોંગ્રેસના સિંઘવી જીત્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
દેશભરની રાજ્યસભાની ચૂંટણીઓ ભારે રસાકરીભરી બની રહી હતી. ઉત્તરપ્રદેશમાં મોડી રાત સુધી ભારે રસાકરી રહી હતી જ્યાં અંતે ભાજપે પોતાના નવમા ઉમેદવારને પણ જીત અપાવવામાં સફળતા મેળવી હતી જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન વિજેતા થયા હતા. ભાજપ તરફથી અનિલ અગ્રવાલ નવમાં ઉમેદવાર હતા જેઓએ બીજી અગ્રતાના આધારે જીત મેળવી હતી આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના ભીમરાવ આંબેડકરનો ભારે પરાજય થયો હતો. બીજી તરફ દિવસ દરમિયાન યુપી વિધાનસભામાં માયાવતીના પાર્ટીએ ગેરમાન્ય મત આપવાને પગલે ભાજપના સભ્યના મતને રદ કરવાની માગ કરી હતી જેના કારણે મતદાન બે કલાક સુધી રોકાઇ ગયું હતું. જોકે, બાદમાં આ મતદાન ફરી શરૂ થયું હતું. ઉત્તરપ્રદેશનીસ કુલ ૧૦મી બેઠક માટે જ મુખ્ય રસાકસી હતી જેને અંતે ભાજપે જીતી લીધી હતી જેમાં અનિલ અગ્રવાલ વિજેતા થયા હતા. યુપીમાં ભાજપ તરફથી અરૂણ જેટલી, જીવીએલ નરસિમ્હા રાવ, વિજય પાલ તોમર, કાંતા કરદમ, અશોક બાજપાઇ, હરનાથ યાદવ અને સંકલદીપ રાજભર વિજેતા થયા હતા જ્યારે સપાના જયા બચ્ચન વિજેતા બન્યા હતા. કર્ણાટકમાંથી ભાજપના રાજીવ ચંદ્રશેખર જીત્યા હતા. છત્તીસગઢમાંથી કોંગ્રેસે એક જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. તેલંગાણામાં ટીઆરએસે ત્રણેય બેઠકો જીતી હતી.કેરળમાંથી જેડીયુના સભ્યે એક બેઠક જીતી હતી.
બીજી પશ્ચિમ બંગાળમાંથી તૃણમુલ કોંગ્રેસના ચારેય સભ્યો જીતી ગયા હતા અને અહીંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીનો પણ વિજય થયો હતો. બીજી તરફ યુપીમાં માયાવતીના બસપાના ઉમેદવાર ભીમરાવ આંબેડકર માટે સપા અને બસપાએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ સપા અને બસપાના એક-એક સભ્યે ક્રોસ વોટિંગ કરવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પંચે ભાજપ તથા બીએસપીને એક-એક મતને રદ કર્યો હતો. શરદ યાદવની છાવણીના જનતા દળ યુના કેરળના અધ્યક્ષ વીરન્દ્ર કુમાર રાજ્યસભા માટે ચૂંટાઇ આવ્યા હતા. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના ચાલુ રાજ્યસભા સાંસદ નદીમુલ હક, અને પ્રથમ વખત ચૂંટાયેલા સુભાશીષ ચક્રવર્તી ઉપરાંત અબીર વિશ્વાસ અને શાંતનું સેનનો વિજય થયો હતો. ઉત્તરપ્રદેશમાં ભાજપે પોતાની નવમી બેઠક માટે ઉજવણી કરી હતી જ્યારે બસપાએ કહ્યું હતું કે, બીજી અગ્રતાને કારણે તેમનો પરાજય થયો હતો. બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીએ પણ પોતાની જીતની ઉજવણી કરી હતી. આમ કુલ ૫૮ બેઠકોમાંથી ભાજપે ૩૧, કોંગ્રેસે ૧૭ જ્યારે અન્ય પક્ષોએ ૧૧ બેઠકો જીતી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks