કુલ ૧૮.૭પ લાખ મતદારો ૮૦ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણીપંચ તો મામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. પરંતુ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન મથક સુધી પહોંચાડવા ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બેઠકો જાળવી રાખવા ચિંતિત છે તો ભાજપ બને તેટલી વધુ બેઠકો પડાવી લેવા તલપાપડ છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો અબડાસા, લીંબડી, ધારી, ગઢડા, મોરબી, ડાંગ, કપરાડા અને કરજણ માટે આજે મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણીપંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કુલ ૩૦ર૪ મતદાન મથકો પર કોવિડ-૧૯ની મહામારી સંદર્ભે ભારતના ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ મતદાન મથક દીઠ મહત્તમ ૧પ૦૦ મતદારોના બદલે આ પેટાચૂંટણીમાં મહત્તમ ૧૦૦૦ મતદારોનું મતદાન રાખવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં કુલ ૧૮.૭પ લાખ મતદારો ૮૦ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ કરશે. મતગણતરી ૧૦ નવેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે અને સાંજ સુધીમાં મોટા ભાગની બેઠકોના પરિણામ જાહેર થઈ જશે. રાજયની આઠે આઠ બેઠકો પર ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસતંત્ર દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન મથકો પર રાજકીય પક્ષો દ્વારા મતદારોને લોભાવવા, લલચાવવા, ડરાવવા કે ધમકાવવા સહિતની પ્રવૃતિ કરવામાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. ગુજરાતન મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે કે, ભારતના ચૂંટણીપંચના ધોરણો મુજબ પૂરતા પ્રમાણમાં ઈવીએમ, વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. મતદાન મથકો ખાતે આશરે ૪૧૯ માઈક્રો ઓબ્ઝર્વરોની નિયુકિત કરવામાં આવી છે. મતદાનના દિવસે આશરે ૯૦૦ જેટલા મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે ૮ જનરલ ઓબ્ઝર્વર તેમ જ ૮ ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે ર૭ ફલાઈંગ સ્કવોર્ડ, ર૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરાઈ છે. ઉપરાંત ૧૮ વીડિયો સર્વેલન્સ ટીમ, ૮ વીડિયો વ્યૂઈંગ ટીમ અને ૮ હિસાબી ટીમ તથા ૮ મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા આરોગ્ય વિભાગના અધિક નિયામક કક્ષાના અધિકારીને રાજય નોડલ અધિકારી તરીકે અને જિલ્લાઓમાં જિલ્લા નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આશરે ૩૪૦૦૦ થર્મલ ગન, ૪૧ હજાર એન ૯પ માસ્ક તથા ૮ર હજાર ડિસ્પોઝેબલ માસ્ક, ૪૧ હજાર ફેસ શિલ્ડ, ૪૧ હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે ર૧ લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ (મતદાર દીઠ એક નંગ) આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે.