(એજન્સી) તા.૨૦
કોંગ્રેસ નેતાઓના એક પ્રતિનિધિમંડળે બુધવારે ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓર્થોરિટી (એનબીએસએ)ને અપીલ કરી હતી કે ટેલિવિઝન ચેનલો પર સનસનાટી મચાવતી ડિબેટ અંગે આચારસંહિતા લાગુ કરવાના સંદર્ભમાં સૂચના જારી કરવી જોઈએ.
આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી, કોંગ્રેસ સચિવ પ્રણવ ઝા અને પ્રવક્તા જયવીર શેરગિલ સામેલ હતા. આ પ્રતિનિધિમંડળે માંગ કરી હતી કે મીડિયા ગ્રુપ, પત્રકારો, એન્કર તથા પ્રવક્તાઓને તેમના વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવે. જયવીર શેરગિલે ગત ગુરૂવારે માહિતી તથા બ્રોડકાસ્ટિંગમંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી આગ્રહ કર્યો હતો કે સમાચાર ચેનલોના ડિબેટ આધારિત કાર્યક્રમોમાં શાલીનતા લાવવાના ઉદ્દેશ્યથી આચારસંહિતા લાગુ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવે. જયવીર શેરગિલે લખ્યું હતું કે, માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને મારો પત્ર જેમાં મેં તેમને મીડિયાને એક સલાહ જારી કરી આચારસંહિતા લાગુ કરવાનો આગ્રહ કર્યો છે જેનાથી અંતરવિરોધી, સનસનાટી મચાવતા સમાચાર અને ઝેરીલી ટીવી ડિબેટ પર પ્રતિબંધ મૂકી શકાય.
તેમણે કહ્યું કે, આ ડિબેટમાં ભાગ લેનારા લોકોની ભલાઈ માટે અને પારસ્પરિક સન્માનને સુદૃઢ કરવા માટે સાચો સમય છે. કોંગ્રેસના અનેક નેતાઓએ જયવીરને ટેકો જાહેર કરતાં કહ્યું હતું કે, એનબીએના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સાથે જ તમામ નેતાઓએ સુધારા માટે પણ વિરોધ નોંધાવ્યો હતો.