(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલી સપાટી ૭૧ રૂપિયાના સ્તરે પહોંચી જવા બદલ નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળ આર્થિક નીતિઓને કોંગ્રેસે જવાબદાર ગણાવતા કહ્યું કે, આ વ્યવસ્થા દેશના અર્થતંત્રને ડુબાડી રહી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, નિષ્ફળ ‘મોદીનોમિક્સ’ દેશને દઝાડી રહ્યું છે. તેમણે કહ્યું કે, વાસ્તવમાં મોદી સરકાર આપણા અર્થતંત્રને સતત નબળું બનાવી રહી છે અને ‘નોટબંધીની હોનારત’ તથા ખામીયુક્ત જીએસટી જેવા અકસ્માત સર્જીને બેંકિંગ સેક્ટરને નબળું બનાવ્યું અને આ માટે ખરેખર ટેક્ષનો આતંકવાદ જવાબદાર છે. સુરજેવાલાએ કહ્યું કે, રૂપિયો હાલ આઇસીયુમાં છે. મોદી સરકાર પોતાના છેલ્લા તબક્કામાં છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કરેલા વાયદાઓ ભારતીય જનતા પાર્ટીના કથનોમાંથી ગુમ થઇ ગયા છે. સૂરજેવાલાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, કોંગ્રેસ જે છેલ્લા ૬૦ વર્ષમાં મેળવી શકી નથી તે મોદી અને તેમની ખામીયુક્ત આર્થિક નીતિઓએ ફક્ત ૬૦ મહિનામાં મેળવી લીધું છે. નબળી રાષ્ટ્રીય નીતિઓ જ રૂપિયાના ગબડવા માટે કારણભૂત છે. નોટબંધીના અભિયાનની પ્રશંસા કરનારા અને પોતાના બ્લોગમાં સ્થાન આપનારા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી પર વ્યંગ કરતા સૂરજેવાલાએ કહ્યું કે, રાજકીય પોઇન્ટ મેળવવા માટે નાણામંત્રી લાંબા બ્લોગ લખવામા વ્યસ્ત છે અને તેઓ રૂપિયામાં ઘટાડાને સંપૂર્ણપણે અવગણી રહ્યા છે. ૨૦૧૮માં રૂપિયો ઓછામાં ઓછા ૧૦ ટકા સુધી નીચો ગયો છે. તે મોદી શાસનમાં એશિયાનું સૌથી નબળું ચલણ બન્યું છે. વિદેશી મૂડીરોકાણકારો સરકારની નીતિઓમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને તેના કારણે એપ્રિલ ૨૦૧૮થી એફડીઆઇમાં ધરખમ ઘટાડો થયો છે.