અમદાવાદ,તા.૧
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં લઘુમતી સમાજની વિકલાંગ યુવતી પર પાંચ પાંચ શૈતાનોએ ગુજારેલા સામૂહિક બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ફાંસીની સજા મળે તે મુજબની નિષ્ઠાપૂર્વક યોગ્ય તપાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયના ડીજીપીને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ અગ્રણીઓએ પીડિતાના પરિવારની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાની આગેવાનીમાં જિલ્લાના ચેરમેન હબીબ મોદન, વિરમગામ શહેર પ્રમુખ રાવલભાઈ, યાસીન મંડલી, શહેરના મ્યુનિ. કાઉન્સિલરો, હિન્દુ-મુસ્લિમ આગેવાનોના પ્રતિનિધિ મંડળે પીડિતાના પરિવાર તથા પીડિતાને મળી સાંત્વના પાઠવી હતી. ઉપરાંત રાજયના ડીજીપીને પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના વિરમગામમાં લઘુમતી સમાજની માનસિક વિકલાંગ બહેન ઉપર પાંચ પાંચ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. જે બાબત ઘણી જ દુઃખદાયક અને ધૃણાસ્પદ છે. આ ઘટનામાં પોલીસની કામગીરી ઘણી જ સારી છે પરંતુ જે બનાવ બનેલ છે તેમાં જ લોકો સંડોવાયેલા છે તે લોકો સામાન્ય પ્રકારના નથી, કારણ કે ૧પમી ઓગસ્ટના પવિત્ર અને મહાન સ્વતંત્ર દિવસની પણ મર્યાદા રાખી નથી અને આવા પ્રકારના જે લોકો ગુના કરતા હોય તે પહેલા પણ અનેક જગ્યાએ આવા ગુનાઓ કર્યા જ હશે માટે આ ગુનેગારોનો ઈતિહાસ તપાસવો જોઈએ. જરૂર પડે તો ફરીથી રિમાન્ડ મેળવીને પણ ભૂતકાળમાં જે જે ગુના કર્યા હોય તેને ખુલ્લા પાડવા જોઈએ. ઘણી વખત બેન દીકરીઓ પોતાની આબરૂ જવા અને બદનામ થઈ જવાની બીકના કારણે ઘણું બધું છુપાવતી હોય છે. આથી સઘન તપાસ કરી આવા નરાધમોને ફાંસીની સજા મળે તે મુજબની સાચી અને યોગ્ય તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે.