કોંગ્રેસ હવે ‘બેલગાડી’ છે કારણ કે તેના ઘણા નેતાઓ બેલ પર છે : PM મોદી

(એજન્સી) જયપુર, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુર રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું છે કે, કોંગ્રેસને લોકો હવે બેલગાડી કહેવા લાગ્યા છે. કોંગ્રેસના તમામ નેતા બેલ પર બહાર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે વિપક્ષે સેના પર સવાલ ઉઠાવવાનું કામ કર્યું છે અને આવું પહેલા ક્યારેય થયું નથી. રાજસ્થાનના લોકો આવી રાજનીતિ કરનારાઓને પાઠ ભણાવશે. જયપુર ખાતેની રેલીમાં ૧૩ યોજનાઓનો શિલાન્યાસ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, રાજસ્થાન હંમેશા તેમના ઉપર સ્નેહ વરસાવતું રહે છે. રાજસ્થાન સદીઓથી દેશને પ્રેરણા આપતું રહ્યું છે. ગત ચાર વર્ષોમાં બે ગણી ઝડપે રાજસ્થાન વિકાસના પથ પર આગળ વધ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત વિકાસલક્ષી કોશિશો કરી રહી છે. મોદીએ કહ્યું છે કે, ૨૧૦૦ કરોડથી વધારેની યોજનાઓનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. આ તમામ પ્રોજેક્ટ જીવનને સુગમ બનાવનારા છે. ચાર વર્ષ પહેલાની સ્થિતિ લોકો ભૂલ્યા નહીં હોય. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હવે વિકાસનું કામ થઈ રહ્યું છે. ચીજો અટકતી નથી, લટકતી નથી અને ભટકતી પણ નથી. ભાજપની સરકારનો એક જ એજન્ડા છે. વિકાસ.. વિકાસ અને વિકાસ.. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને ખરીફ પાક પર ટેકાના ભાવમાં વધારો કરવાની વાત યાદ દેવડાવીને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો પૂર્ણ કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

મોદીની જયપુર મુલાકાત પહેલાં જોધપુરમાં લાભાર્થીઓને
લઈ જતી બસ પર તોફાની તત્વોનો હુમલો

(એજન્સી) જોધપુર,તા.૭
જયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી પહેલા એક મોટી ઘટના સામે આવી હતી. પીએમ મોદી અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થી સાથે મુલાકાત કરી હતી. એવા જ લાભાર્થીઓને લઈ જઈ રહેલી એક બસ પર તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને લઈને રાતે આ બસ જેસલમેરથી જયપુર જઈ રહી હતી. રસ્તામાં બસ પર તોફાની તત્વો દ્વારા કરવામાં આવી રહેલ ફાયરિંગની ઝપેટમાં આવી ગયી હતી. બે તોફાની તત્વો વચ્ચે ગેંગવૉર ચાલી રહ્યો હતો. આ ઘટનામાં ત્રણ લાભાર્થીઓ ઘાયલ થયા હતા. જેસલમેરના ફતેહગઢ વિસ્તારમાં રહેનાર નગસિંહ ખેતરામ મનોહર ફાયરિંગમાં ઘાયલ થયા હતા. ઘટનામાં ઘાયલ બધાં લોકોને નાગોરના જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યાં ઘાયલ માંથી એકને નજીવી ઇજા થવાને કારણે ઘરે જવાનું કહ્યું છે. અને જ્યારે બાકી બે ની સારવાર ચાલી રહી છે.

મોદીની સભામાં કાળા રંગ પર પ્રતિબંધ, બુરખાધારી
મહિલાઓ સહિત અનેક લોકો પરત ફર્યા

(એજન્સી) જયપુર, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભકર્તાઓ સાથે મળવા શનિવારે જયપુર પહોંચ્યા હતા. રાજ્યના લગભગ સવા બે લાખ લોકો નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે જયપુર પહોંચ્યા હતા. પરંતુ જે લોકો કાળા કપડાં, કાળી ઓઢણી, કાળો રૂમાલ, કાળી ટોપી પહેરીને આવ્યા હતા તેમને સભામાં જતા રોકવામાં આવ્યા જેથી તેઓ વિરોધ પ્રદર્શન શરૂ ન કરી શકે. કોઈપણ પ્રકારના કાળા વસ્ત્રો ધારણ કરનાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલે સુધી કે કાળા મોજા અને પુરૂષોના કાળા ગંજી પણ ઉતરાવવામાં આવ્યા હતા. કાળા બુરખા પહેરીને આવનારી મુસ્લિમ મહિલાઓને પરત ફરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકોએ કાળા કપડા પહેર્યા હોવાથી જ્યાં જ્યાં સુરક્ષા પોઈન્ટ હતા ત્યાં કાળા કપડાનો ઢગલો જોવા મળ્યો હતો. આ મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે, સરકારે આ મુદ્દે અખબારોમાં જાહેરાત છપાવી અગાઉથી સૂચના આપવી જોઈતી હતી. જે લોકો બહારગામથી માત્ર સભામાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓની સૂચકતા એટલી હદે હતી કે કાળુ બેગ કે પર્સ પણ બહાર મૂકીને જવા કહેવાયું હતું. બીજી તરફ કોંગ્રેસે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, કાળા રંગથી મોદી સરકારે આટલું ડરવું ન જોઈએ. હિન્દુ રીતિ-રિવાજ મુજબ શનિવારના દિવસે કાળા રંગનું અપમાન ભાજપને ભારે પડી શકે છે કારણે ભગવાન શનિના અપમાન સમાન છે.

પીએમ નરેન્દ્ર મોદીએ જયપુરમાં ૧૩ યોજનાઓ
ખૂલ્લી મૂકી, ૨.૫ લાખ લાભાર્થીઓને સંબોધ્યા

વડાપ્રધાન મોદી આજે જયપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ દેશના એવા પહેલા વડા પ્રધાન બનશે કે જેઓ પહેલી વાર વિકાસલક્ષી યોજનાઓનો લાભ લેનારા લોકોની સીધી મુલાકાત લીધી છે.પીએમ મોદીએ જમરૂખના બાગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૨ વિકાસલક્ષી યોજનાઓના લગભગ અઢી લાખ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો અને રાજસ્થાનને ૨૧૦૦ કરોડની વિકાસલક્ષી યોજનાઓની નવી ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતાં કહ્યું કે અમારી સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કામ કરે છે. અમારા કામકાજમાં ના કોઇ કામ અટકે છે, ના લટકે છે અને ના ભટકે છે. પીએમ કહ્યું અમારો એક જ મંત્ર છે વિકાસ, વિકાસ, વિકાસ. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગમ છે. રાજસ્થાન વિકાસ પથ પર આગળ વધી રહ્યુ છે. ઉજ્જવલા યોજના જનતાને લાભ મળ્યો છે. આ દરમ્યાન તેમણે અગાઉની કૉંગ્રેસ સરકાર પર કટાક્ષ કર્યા. વડાપ્રધાને કહ્યું કે કેટલાંક લોકો હવે કૉંગ્રેસને ‘બેલ ગાડી’ કહેવા લાગ્યા છે કારણ કે પાર્ટીના કેટલાંય નેતા જમાનત પર છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલાં કૉંગ્રેસના નેતાઓના નામ પર પથ્થર જડવાની હોડ મચી હતી. મોદીએ કહ્યું કે પાછલી સરકાર પાસેથી ખજાનો ખાલી મળ્યો હતો. જો કે હવે હાલની કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને માત્ર વિકાસના એજન્ડા પર કામ કરી રહી છે.

પીએમ મોદીની જયપુર રેલીમાં બોમ્બની ધમકી, એકની અટકાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરમાં જે સ્થળે રેલી યોજવાના હતા તે સ્થળ પર બોમ્બની ધમકી મામલે પોલીસે એક વ્યક્તિને અટકાયતમાં લીધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ઓફિસમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેણે કહ્યું કે, મેં મંદિરમાં બોમ્બ મુક્યો છે. જ્યોતિનગર પોલીસે આ મામલે દિનેશ સૈની નામની વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે, આરોપી માનસિક રીતે બીમાર છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ પહેલા મોદીએ જયપુરમાં સ્વામી માનસિંહ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી યોજના સાત કેન્દ્રીય અને પાંચ રાજ્યોની યોજના જાહેર કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks