કોઈ ખાપ, સમાજ, માતા-પિતા આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વયસ્કો પર આંગળી ન ઉઠાવી શકે : સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
આંતરજ્ઞાતિય લગ્નની વિરૂદ્ધ તઘલકી ફરમાન જારી કરનાર ખાપ પંચાયતો અને આવા બીજા સંગઠનોને ગેરકાયદેસર ગણાવીને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝાટકણી કાઢી. ખાપ પંચાયતો પર સખ્ત કાર્યવાહી ન કરવા માટે કોર્ટે કેન્દ્ર સરકારની પણ આકરી ટીકા કરી. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોવાળી ખંડપીઠે પ્રેમ વિવાહ કરનાર યુગલો પર ખાપ પંચાયતોના હુમલાઓ પર નારાજગી જાહેર કરી. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની સાથે જસ્ટિસ એ એણ ખાનવિલકર અને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડની બેન્ચે આ કેસમાં કેન્દ્રના વલણની આકરી ટીકા કરી. ચીફ જસ્ટીસે કહ્યું કે એક વયસ્ક છોકરો કે છોકરી પોતાની મરજી પ્રમાણે કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે. કોઈ ખાપ પંચાયત, વાલી, કે સમાજમાં કોઈને પણ આવા લગ્નો પર આંગળી ઉઠાવવાનો હક નથી. કોર્ટે કહ્યું કે ખાપ પંચાયતને કોઈ પણ યુગલને સમન્સ ન મોકલી શકે અને ન તો દંડ આપી શકે. કોર્ટે રોકડું પરખાવ્યું કે જો ખાપ પંચાયતો પર પ્રતિબંધ મૂકવામાં કેન્દ્ર સરકાર અસફળ નીવડે તો અમે તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરીશું. કોર્ટે કહ્યું કે આ ૨૦૧૦ ની વાત છે પરંતુ કેન્દ્ર સરકાર તેને ગંભીરતાથી લઈ રહી નથી કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કોઈ સૂચન પણ કર્યું નથી. જો સરકાર પોતાની મરજી પ્રમાણે લગ્ન કરનારને સુરક્ષા માટે કાયદો ન લાવી શકતી હોય તો કોર્ટે તેને માટે એક ગાઈડલાઈન્સ બનાવશે. કોર્ટ મિત્ર રાજુ રામચંદ્રને કહ્યું કે કાયદા પંચ પણ આંતરજ્ઞાતિય લગ્ન કરનારની સુરક્ષા કરવા માટે કાયદો લાવવાની ભલામણ કરી ચૂક્યું છે. પરંતુ કેન્દ્ર સરકારનું વલણ ઢીલપોચું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પશ્ચિમી યુપીમાં ખાપ પંચાયતો દ્વારા આંતરજ્ઞાતિય લગ્નો કરનાર યુવાનોને હેરાનગતી કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં તો હત્યા સુધી મામલો પહોંચી ગયો છે. હરિયાણાની રાજનીતિમાં આ મુદ્દો ઘણો પ્રભાવિત કરતો રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks