(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૨૨
કોડીનાર અને તેના આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં શેરડી અને ગોળ ઉત્પાદન કરનાર બે ખેડૂતોએ આત્મહત્યા કરતા, ખેડૂતોને આત્મહત્યા માટે મજબૂર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. શેરડી તથા ગોળ ઉત્પાદન ખેડૂત મંડળ દ્વારા કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, સોરઠ વિસ્તારમાં ખેડૂતને એક ટન શેરડીમાં રૂા.૭૦૦થી ૮૦૦ની ખોટ સહન કરવી પડે છે ત્યારે આ વિસ્તારના અમુક વેપારીઓ અને અમુક તત્ત્વો દર વર્ષે લાખો ડબા અખાદ્ય ગોળ મધ્યપ્રદેશ, યુ.પી.છતીસગઢ જેવા રાજ્યોમાંથી ગેરકાયદેસર મંગાવી, ચેકપોસ્ટ ઉપર વહીવટ કરી ગુજરાતમાં ઘુસાડી કરોડો રૂા.નો અખાદ્ય ગોળ રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, નવસારી, સુરત જેવા સેન્ટરોના કોલ્ડ સ્ટોરેજમાં સગ્રહ કરવામાં આવે છે. બહારના રાજ્યોમાં દારૂ બનાવવા જ ગોળ બનાવવામાં આવે છે જે ખૂબ જ સસ્તા ભાવમાં બનતો હોય, વેપારીઓ મોટો નફો લઈ ખાદ્ય ગોળના બહાના નીચે આવા અખાદ્ય ગોળ ગુજરાતમાં ઘુસાડી આ વિસ્તારના ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે. ઉપરોક્ત પરિસ્થિતિના કારણે કોડીનાર તાલુકાના આલીદર ગામના અને મોરવડ ગામના શેરડી ગોળ ઉત્પાદક બે ખેડૂતોએ ગત ૮ દિવસોમાં આત્મહત્યા કરી છે તેમજ આવા અખાદ્ય ગોળના કારણે ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ સર્જાય છે. ઉપરોક્ત બાબતો ખેડૂતો માટે જીવન મરણનો પ્રશ્ન હોય, ૭ દિવસમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અન્યતા ખેડૂતો દ્વારા અખાદ્ય ગોળ સગ્રહ કરનારા કોલ્ડ સ્ટોરેજ ઉપર જનતા રોડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.