કોડીનાર, તા.૩૦
કોડીનાર શહેરની યુવતી છેલ્લા ૧ મહિનાથી મુંબઈથી લાપતા થતા અને તેની સઘન શોધખોળ કરવા છતાંં તેનો કોઈ પતો ન લાગતા પરિવારનો ભારે ચિંતાતૂર બન્યા છે. આ બનાવની વિગત મુજબ કોડીનારના કસ્બા મહોલ્લામાં રહેતા અને દુબઈ ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પુત્ર અને ૩ પુત્રીઓ પૈકીની નાની દીકરી નગમા (ઉ.વ.૨૦) છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં ઘરકામ કરી પોતાની માતાને મદદરૂપ થઈ રહી હતી ત્યારે નગમા રમઝાનના ૧૮મા રોઝાએ મુંબઈના જેજે રોડ વિસ્તારમાંથી લાપતા થયા બાદ કોડીનારથી તેના પરિવારજનો મુંબઈ છોડી જઈ તપાસ કરવા છતાં પણ નગમાનો કોઈ પતો ન લાગતા નગમાની માતા પણ દુબઈથી નોકરી છોડી મુંબઈ આવી મુંબઈ જેજે પોલીસ ચોકીમાં નગમાની ગુમ થયાની જાણ કરવા છતાં અને પરિવારજનો દ્વારા સતત કોઈને કોઈ સ્થળે તપાસ કરવા છતાં પણ નગમાના કોઈ સગડ ન મળતા તેના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. નગમાના પિતાનું આજથી વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય સાબીરાબેને ઘરકામ કરી પરિવારનો ઉછેર કરી બે દીકરીઓના લગ્ન કરાવી તેમને સાસરે મોકલી દીધી છે ત્યારે સૌથી નાની પુત્રી નગમા અચાનક જ ગાયબ થઈ જતા આ ગરીબ પરિવાર ઉપર સંકટના વાદળો છવાયા છે.