કોડીનાર, તા.રર
કોડીનાર શહેરમાં સોસાયટી વિસ્તારોમાં એક જ રાત્રિના ૬ મકાનોના તળા તૂટતા શહેરમાં જાણે તસ્કર રાજ છવાયો હોય તેમ આ વિસ્તારમાં તસ્કરોના તરખાટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આ અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ શહેરની દક્ષિણામૂર્તિ સોસાયટી, ગણેશ પાર્ક અને અનુરાગ સોસાયટીના ૬ બંધ મકાનના કોઈ તસ્કરોએ તાળા તોડી કુલ રૂા.૩પ૬૦૦ની રોકડ, દાગીનાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દક્ષિણામૂર્તિના રહેવાસી રાયસિંહ પરમાર પ્રસંગ અર્થે સૂત્રાપાડા ગયા બાદ પરત ફરતા ઘરનાં તાળા તૂટેલા જોતા ઘરના કબાટમાંથી પ૦૦૦ રૂા.રોકડા, સોનાના દાણા અને ચાંદીના સાંકળા મળી કુલ રૂા.૭૬૦૦ના મુદ્દામાલની ચોરી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત દક્ષિણા મૂર્તિમાં જ રહેતા વિપુલભાઈ હરીભાઈ પઢીયાર અમદાવાદ દવાખાને ગયા હોય. તેમના બંધ મકાનના પણ તસ્કરોએ તાળા તોડી ચોરી કરવાની કોશિષ કરી હતી પરંતુ સદ્ભાગ્યે તસ્કરોના હાથમાં કંઈ આવ્યું નહતું તેમજ આશિષ રણજીતભાઈ ઝાલાના મકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનું અને દિગ્વિજયભાઈ ઝાલાના બંધ મકાનનું તાળા તોડી રૂા.૩૦૦૦ રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ ઉપરાંત અનુરાગ સોસાયટીમાં પ્રમોદભાઈના ઘરે પણ તાળા તોડી પ૦૦૦ રોકડા સહિત કુલ રૂા.૭૦૦૦ની ચોરી થયાની અને ગણેશ પાર્કમાં બેંક કર્મચારીના બંધ મકાનના પણ તાળા તૂટ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે સોસાયટી વિસ્તારોમાં હાહાકાર મચાવનાર તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.