કોરોનાના કેસો વધતાં પુનઃ લોકડાઉન જાહેર કરાતાં માઉન્ટ આબુમાં આજથી ૮ દિવસ પ્રકૃતિનો નજારો માણી શકાશે નહીં

અનલોકમાં છૂટછાટ બાદ મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ દોડી ગયા હતા

અમદાવાદ, તા.૨૯
ગુજરાતીઓમાં ફરવા માટે લોકપ્રિય બનેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર કોરોનાના કેસોએ માથું ઉચક્યું છે. સતત વધી રહેલા કેસોને જોતા માઉન્ટ આબુમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં ત્યાં ફરવા જવાનો વિચાર કરી રહેલા ગુજરાતીઓ હવે એક આઠ દિવસ સુધી માઉન્ટ આબુમાં નહીં જઈ શકે. પ્રાપ્ત માહિતી મુજબ, માઉન્ડ આબુમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા પ્રશાસન દ્વારા ફરીથી ૩૦ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે સબ ડિવિઝન ઓફિસર ડો. ગૌરવ સૈનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોનાના કેસોને ઓછા કરવા માટે લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વેપારીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્ણય બાદ આબુરોડ શહેર સહિત તારતોલી, અક્રભાતા, માનપુર હવાઈ પટ્ટી અને સંતપુર સુધીના ગામોમાં લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ નિર્ણય બાદ માઉન્ટ આબુ ફરવા જઈ રહેલા સહેલાણીઓને ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકડાઉનના કારણે માઉન્ટ આબુ મહિનાઓ સુધી બંધ હતું. જોકે અનલોક સાથે થોડી ઘણી છૂટછાટો મળતા જ ફરીથી લોકો ત્યાં જઈ રહ્યા હતા. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. એવામાં વરસાદ બાદ માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ આબુમાં ચારેય તરફ હરિયાળી અને પહાડોમાંથી ઝરણાં વહેતા અને છલોછલ નકી લેકથી અદ્‌ભૂત દૃશ્યો સર્જાતા હોય છે. એવામાં ગુજરાતમાંથી વધુથી વધુ પ્રવાસીઓ ત્યાં મુલાકાતે જતા હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks