વડોદરા, તા.૧૦
કરજણ-૧૪૭ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થતાં ભાજપના કાર્યકરોએ પોલિટેકનિક કોલેજ બહાર ઢોગ-નગારા સાથે ઉજવણી કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેર ભાજપ કાર્યલાય અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. જ્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ કાર્યાલય અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર સન્નાટો જોવા મળ્યો હતો.
કરજણ બેઠકની મતગણતરી બેલેટ પેપરથી શરૂ થઇ હતી. બેલેટ પેપરમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ બહુમતી મેળવતા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. જોકે એક પછી એક મતગણતરીના શરૂ થયેલા રાઉન્ડમાં ભાજપાના ઉમેદવાર અક્ષય પટેલે લીડ લેવાનું શરૂ કરતા કોંગ્રેસમાં નિરાશાનું મોજું શરૂ થયું હતું. ૫૦ ટકા ઉપરાંત મતોની ગણતરી બાદ ભાજપાના ઉમેદવારે મોટી સરસાઇ મેળવતા ભાજપમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. વડોદરા શહેર ભાજપ કાર્યલાય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ નવ નિયુક્ત ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પહોંચી ગયા હતા. આ સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો વડોદરા શહેર-જિલ્લા કાર્યાલયો ખાતે અબિલ, ગુલાલ, ઢોલ-નગારા અને ફટાકડા સાથે ઉમટી પડ્યા હતા. વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરો દ્વારા વિજયના નારા શરૂ કરો દેવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકરો દ્વારા આતશબાજી પણ શરૂ કરી દેવામાં આવી હતી. ભાજપ કાર્યાલયો ખાતે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોનીનભારે ભીડના કારણે આ માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. નોંધનીય બાબત એ હતી કે, ચૂંટણીના ઉત્સવના કારણે ભાજપના કાર્યકરો કોરોનાની મહામારી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનને પણ ભૂલી ગયા હતા. જોકે, કોંગ્રેસ કાર્યકરોએ પણ કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હતા.