(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસની તપાસ મફતમાં થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા આદેશ કર્યો છે. વડી અદાલતે કહ્યું છે કે, ખાનગી લેબ પણ જીવલેણ કોરોના વાયરસની તપાસ કરવામાં વધારે પૈસા ના વસુલે. કોરોના મામલે કેસની સુનાવણી દરમિયાન અદાલતે ડૉક્ટરોને યોદ્ધા ગણાવતા તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ કેન્દ્રને નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસની તપાસને લઈને પ્રાઇવેટ લૅબ્સ દ્વારા લેવામાં આવતાં ૪૫૦૦ રૂપિયાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસ માટે રૂપિયા નહીં લઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ લૅબને કોરોના તપાસ માટે રૂપિયા લેવાની મંજૂરી ન હોવી જોઈએ. આ મુદ્દે આદેશ જાહેર કરશે. કોરોના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરી પૈસા વસુલી રહી હોવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરતા જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે, COVID-19 માટે લોકોના પરીક્ષણ માટે પૈસા વસુલવાની મંજૂરી નથી આપતા. પરીક્ષણો માટે સરકાર મિકેનિઝમ બનાવી શકે છે. ખાનગી લેબમાં તપાસની પ્રક્રિયા બનાવવામાં આવવી જોઈએ. ગયા મહિને ICMRએ માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ લૅબ્સને કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી હતી. તેની સાથે જ પ્રત્યેક COVID-19 તપાસ માટેનો ચાર્જ ૪૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોરોના વચ્ચે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા મહત્વની છે. કારણ કે આ યોદ્ધા છે અને તેમની અને તેમના પરિવારની સુરક્ષા અત્યંત જરૂરી છે. તબલીગી જમાતના લોકો દ્વારા ડૉક્ટરો અને નર્સો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા છે.
કેન્દ્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હ્તું કે, કેન્દ્ર સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે મહત્વના પગલા ભરી રહી છે. PPE કિટની ઝડપથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે જે લોકોને કોરોના પોઝિટીવ છે તે બીજા કોઈને અસર ના પહોંચાડે તેની કાળજી રાખવામાં આવી રહી છે. ૪૫૦૦ રૂપિયા આપીને કોરોના વાયરસની તપાસી કરાવી શકાતી હતી. તેના ચાર્જમાં ૩૦૦૦ રૂપિયા ટેસ્ટિંગના અને ૧૫૦૦ રૂપિયા સ્ક્રીનિંગના સામેલ હતા. જોકે, સરકારે લોકોને કારણ વગર તપાસ ન કરાવવાની અપીલ કરી છે. તપાસ માટે આપને ક્વોલિફાઇડ ફિજિશિયનથી લખાવવું ખૂબ જ જરૂરી છે.