(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં હાલમાં જોવાઈ રહેલ વધારો બહારથી આવેલ લોકો છે જેઓ અહીં ટેસ્ટિંગ માટે આવે છે. એમણે કહ્યું કે, એવા અહેવાલો મળી રહ્યા છે કે, દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઘણા દર્દીઓ દિલ્હીમાં બહારથી આવી ટેસ્ટિંગ કરાવે છે જેથી અહીં કેસોનો આંકડો વધે છે અન્યથા દિલ્હીમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે.
દિલ્હીમાં શનિવારે ૧૪૦૪ નવા કેસો નોંધાયા હતા અને ૧૬ દર્દીઓનું મૃત્યુ થયું હતું જેથી દિલ્હીમાં કુલ કેસોનો આંક વધીને ૧,૪૪,૧૨૭ થયું છે. જ્યારે શનિવારે ૧૧૩૦ લોકો સાજા થયા હતા. હાલમાં ૧૦,૬૬૮ સક્રિય કેસો છે. દિલ્હીમાં મૃત્યુનું આંક વધીને ૪૦૯૮ થયું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ એ માટે વધી છે કારણ કે, બહારથી લોકો અહીં આવી રહ્યા છે.
જૂન મહિનામાં દિલ્હીના ઉપ રાજ્યપાલ અનીલ બૈજલે દિલ્હી સરકારનું નિર્ણય પલટાવ્યું હતું જેમાં સરકારે કહ્યું હતું કે, કોરોના વાયરસના દર્દીઓ માટે દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર થશે.