ડો.ફૌસીએ જણાવ્યું છે કે ૯૮ ટકા અક્સીર હોય એવી કોવિડ-૧૯ વેક્સિન વિકસાવવી લગભગ અશક્ય છે. આથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ રહ્યું
(એજન્સી) તા.૯
અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાતે એવી ચેતવણી આપી છે કે કોરોના વાયરસની માન્ય વેક્સિન માત્ર ૫૦ ટકા જ અક્સીર નિવડી શકે છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડો.એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની વેક્સિન ૧૦૦ ટકા અસરકારક હોવાની તક બહુ વિશેષ જણાતી નથી. તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વેબિનારમાં જણાવ્યું હતું કે આપણને ખબર નથી કે આ વેક્સિનની અક્સીરતા કેટલી હશે. આ વેક્સીન ૫૦ ટકા કે ૬૦ ટકા અકસીર હશે કે કેમ તે આપણે જાણતા નથી. હું ઇચ્છું કે આ વેક્સિન ૭૫ ટકા કે તેથી વધુ અસરકારક હોય.ડો.ફૌસીએ ચેતવણી આપી છે કે જાહેર આરોગ્યના અભિગમને ક્યારેય તિલાંજલિ આપવી જોઇએ નહીં કારણકે ૯૮ ટકા જેટલી અક્સિર વેક્સિન વિકસાવવી લગભગ અશક્ય પૂરવાર થાય તેવું છે.
આથી અમેરિકનોએ વાયરસનો ફેલાવો અટકાવવા માટે સામાજિક અંતર જાળવવું જોઇએ અને બંધ જગ્યામાં કે વિશાળ મેદનીમાં પોતાના ચહેરાને ઢાંકવો જોઇએ. શુક્રવારે અમેરિકન ડ્રગ્ઝ રેગ્યુલેટરે જાહેર કર્યુ હતું કે કોઇ પણ વેક્સિનને માન્ય કરવામાં આવે તે પહેલા સ્વતંત્ર નિષ્ણાંતોએ તેની સમીક્ષા કરવી પડશે. ધ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) જણાવ્યું હતું કે તે લીલી ઝંડી આપતાં એક બહારની સલાહકારી સમિતિની રચના કરશે.ડો.ફૌસીએ રાજ્યોને કોરોના વાયરસના કેસમાં માત્ર એક કે બે ટકાનો વધારો થાય તો પણ તત્કાળ પ્રતિક્રિયા આપવાનો અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામા ંકોરોના વાયરસને કારણે મૃત્યુઆંક ૧.૬૯૦ લાખને વટાવી ગયો છે અને ૫૯.૧૦ લાખ કેસો નોંધાયાં છે. અમેરિકા વિશ્વના કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંકમાં ૨૫ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. હવે આગામી સપ્તાહમાં શાળાઓ ખોલવી કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે. કેલિફોર્નિયા, ટેક્સાસ અને ફ્લોરિડા સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં જંગી ઉછાળો થતાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.