(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૦
રાજયમાં કોરોનાના રોજેરોજ કેસો વધી રહ્યા છે અને બીજી તરફ આગામી દિવસોમાં વિવિધ તહેવારો વગેરે આવી રહ્યા હોઈ રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં આપેલ આદેશનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા પાસેથી આકરો દંડ વસૂલવાના હાઈકોર્ટના આદેશનો રાજયભરમાં આવતીકાલથી અમલ કરવાની મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી છે.
કોરોના ને પ્રસરતો અટકાવવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને જાહેરમાં માસ્ક પહેરવાની અનેક વખત અપીલ કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને પણ આ અંગે કડક અમલ કરવાની સૂચના આપી છે. ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહીં પહેરવા બદલ ૫૦૦ રૂપિયા દંડ લેવામાં આવે છે. મંગળવારથી આ દંડ વધારીને ૧,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. આ અંગેની જાણકારી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી.
કૃષિ ક્ષેત્ર માટે અગત્યની જાહેરાત કરવા માટે આજે ગાંધીનગર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સવાલ-જવાબ વખતે મુખ્યંત્રીએ આવતીકાલ એટલે કે મંગળવાર ૧૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા માટે એક હજાર રૂપિયા દંડ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. એટલે કે માસ્ક ન પહેરવાનો દંડ બે ગણો કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ દંડ આખા રાજ્યમાં રૂ. ૨૦૦ લેવામાં આવ્યો હતો. જે બાદમાં દંડની રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી હતી. ર૪ જુલાઈએ ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના કેસ મુદ્દે થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. લોકો અજ્ઞાનતાને લીધે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરી રહ્યા છે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૧ હજારનો દંડ વસૂલવા હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. લોકોની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. લોકહિતમાં કડક નિર્ણયો લેવા જોઈએ માસ્ક એ કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી છે. તેના વગર લોકો ફરે તેને ચલાવી લેવાય નહીં. દરેક વ્યકિત માસ્ક પહેરીને જ બહાર નીકળે તે જોવાની જવાબદારી સરકારની હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ આદેશના અમલ અંગે જણાવ્યા બાદ સૌ નાગરિકોને અપીલ કરી છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ઘર બહાર નીકળીને ભીડ ભાડ ના કરે કેમ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો છે.