કોલસા કૌભાંડ : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુકોડા, પૂર્વ કોલસા સચિવને ત્રણ વર્ષની કેદની સજા

નવી દિલ્હી,તા. ૧૬
સમગ્ર દેશને હચમચાવી મુકનાર કોલસા કોંભાડ મામલામાં સીબીઆઇની ખાસ અદાલતે મધુ કોડાને આજે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. સાથે સાથે તેમના પર ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ લાગુ કરવામાં આવ્યો હતો. દિલ્હીની ખાસ સીબીઆઇ કોર્ટે ૧૩મી ડિસેમ્બરના દિવસે ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાને કોલસા કોંભાડના કેસમાં દોષિત જાહેર કર્યા હતા. જો કે સજાની જાહેરાત બાદ થોડાક સમયમાં જ કોડા અને અન્ય ત્રણ દોષિતોને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે વચગાળાના જામીન મળી ગયા હતા. કોર્ટે મધુ કોડા ઉપરાંત પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા, પૂર્વ સચિવ અશોક કુમાર અને અન્ય એકને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર કરવામાં આવેલા મધુ કોડાની સજા ઉપર હાલમાં સુનાવણી ટળી ગઈ હતી. મામલામાં કોડા અને અન્ય ત્રણ દોષિતોએ પણ મેડિકલ મુદ્દાના આધાર પર સજા ઓછી કરવાની માંગ કરી હતી પરંતુ તેમની માંગ ફગાવી દેવાઈ હતી. અત્રે નોંધનીય છે કે, ખાસ અદાલતે મધુ કોડાને દોષિત જાહેર કર્યા હતા. ખાસ સીબીઆઈ જજ ભારત પરાશરે કોડા, ગુપ્તા અને અન્ય આરોપી લોકોને દોષિત ઠેરવ્યા હતા જેમાં ઝારખંડના પૂર્વ ચીફ સેક્રેટરી એકે બસુ, ખાનગી કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડનો સમાવેશ થાય છે. ઝારખંડમાં રાજહરા નોર્થ કોલ બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે સંબંધિત કેસમાં ફોજદારી કાવતરા સહિત જુદા જુદા ગુનામાં આ તમામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ખાસ સીબીઆઈ અદાલતે ચાર લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા જેમાં વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડના ડિરેક્ટર વૈભવ તુલસયાન અને બે જાહેર કર્મચારી વસંતકુમાર ભટ્ટાચાર્ય અને બિપીન બિહારીનો સમાવેશ થાય છે. નવીન કુમારને પણ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તમામ સામે આરોપી તરીકે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર અટકાયત ધારા અને આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ આરોપો મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કંપનીએ ૮મી જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજહરા નોર્થ કોલ બ્લોક ફાળવણી માટે અપીલ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઝારખંડ સરકાર અને સ્ટીલ મંત્રાલય દ્વારા કોલસા બ્લોક ફાળવણી માટે વિની આયર્નના કેસની કોઇ ભલામણ કરી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks