ચૂંટણી સ્ટાફ અને મતદારો દ્વારા ઉપયોગમાં લેવાયેલ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને સેનિટાઇઝરની ખાલી બોટલના સ્વરૂપમાં બિહાર ચૂંટણી દરમિયાન ૧૬૦ ટન બાયોમેડિકલ કચરો એકત્ર થયો હતો
(એજન્સી) તા.૧૮
બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોવિડ-૧૯ વચ્ચે ચૂંટણી અધિકારીઓ અને મતદાતાઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ફેસ માસ્ક, સેનિટાઇઝરની ખાલી બોટલો અને ગ્લવ્ઝ સ્વરુપે ૧૬૦ ટન બાયોમેડિકલ કચરો એકત્ર થયો છે. ચૂંટણી અધિકારીઓએ કચરાનો નિકાલ સુનિશ્ચિત કરવા માટે તેને સરકારી આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સસ્તી પરંતુ પ્રભાવશાળી ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ ઇવીએમને ટ્રેક માટે કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન યોજાયેલા ચૂંટણીમાં ચૂંટણી પંચે મતદારો, ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ માટે ૧૮ લાખ ફેસ શિલ્ડ, ૭૦ લાખ ફેસ માસ્ક, ૫.૪ લાખ ડીસ્પોઝેબલ રબર ગ્લોવ્ઝ, ૭.૨૧ કરોડ વન હેન્ડ એવા મતદારો માટે ઇવીએમ બટન દબાવવા પોલિથિલીન ક્લોવ્ઝનો ઉપયોગ કરાયો હતો. એટલું જ નહીં ૨૯ લાખ હેન્ડ સેનિટાઇઝરની બોટલ પણ ખરીદવામાં આવી હતી.
પરિણામે ૧૬૦ ટન બાયોમેડિકલ કચરો ઊભો થયો છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી એચ આર શ્રીનિવાસે જણાવ્યું હતું કે તમામ જિલ્લામાં બાયો મેડિકલ કચરાના નિકાલ માટેની એજન્સીઓ બનાવવામાં આવી હતી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ દરમિયાન અમારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે એજન્સી કચરાને હેલ્થ સેન્ટર અને હોસ્પિટલો પરથી ઉઠાવી શકે છે. પરંતુ પોલિંગ સ્ટેશનથી ઉઠાવી શકતી નથી.
પરિણામે આ માટે જિલ્લામાં બોાયોમેડિકલ વેસ્ટ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. બાયોમેડિકલ વેસ્ટ કર્મચારીઓની એક ટીમને ૧૦થી ૧૫ પોલિંગ સ્ટેશનની જવાબદારી સાેંપવામાં આવી હતી. ચૂંટણી પૂરી થયા બાદ ટીમે પ્રત્યેક મતદાન મથક પરથી કચરાની ડસ્ટબીનને ઉઠાવીને તેને આરોગ્ય કેન્દ્રોે પર પહોંચાડી હતી અને આરોગ્ય કેન્દ્ર પરથી પોલિથિલીન બેગમાં આ કચરો કચરા નિકાલ માટે લઇ જવાયો હતો.