નવી દિલ્હી, તા.૩
ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પિતૃત્વ રજા અંગે મૌન તોડ્યું છે. મણે સ્પષ્ટતા કરી હતી કે ૧૯૭૫-૭૬ના ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે તે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે આ રીતે રજા માગી ન હતી. મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ગાવસ્કરે રજા તો માગી હતી પરંતુ બોર્ડે તેમને રજા આપી ન હતી. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું હતું કે મેં રજા માગી હતી તે વાત સાચી છે પરંતુ મેં પત્ની પાસે પરત ફરવા માટે રજા માગી ન હતી.
ભારતના આ મહાન ઓપનરે જણાવ્યુ હતું કે હું ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે રવાના થયો ત્યારે હું જાણતો હતો કે પ્રવાસ જારી હશે ત્યારે જ મારા ઘરે બાળકનો જન્મ થવાનો છે. આમ છતાં હું દેશ માટે રમવા માટે પ્રતિબદ્ધ હતો. મારી પત્નીએ પણ મારા નિર્ણયને સમર્થન આપ્યું હતું.
ભૂતપૂર્વ સુકાની અને એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા ગાવસ્કરે જણાવ્યું હતું તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તે ઘાયલ થઈ ગયો હતો અને તેને ચાર સપ્તાહના આરામની સલાહ આપવામાં આવી હતી. આ સમય દરમિયાન મેં રજાની માગણી કરી હતી. આમ મને ચાર સપ્તાહના આરામની સલાહ હતી. આગામી મેચ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ સપ્તાહ બાદ રમાનારી હતી જેમાં હું રમી શકું તેમ ન હતો. આમ મેં આ દિવસો દરમિયાન ટીમની સાથે રહેવા કરતાં વતન પરત ફરી જવા માટે રજા માગી હતી પરંતુ બોર્ડે મને રજા આપવાનો ઇનકાર કરી દીધો હતો.