ખડગે અંગે કુમારસ્વામીની ‘દલિત-વિરોધી’ ટિપ્પણીને લઈને માંડ્યામાં વિરોધ પ્રદર્શન

કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી દ્વારા ગૃહમંત્રી પ્રિયંક ખડગેને નિશાન બનાવીને કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે માંડ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને દલિત જૂથોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમણે હાઈવે જામ કર્યો હતો, કુમારસ્વામીને ‘દલિત-વિરોધી’ ગણાવ્યા હતા અને રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી હતી

 

(એજન્સી) તા.૧૮
કોંગ્રેસના કાર્યકરોએ દલિત અને પ્રગતિશીલ સંગઠનો સાથે મળીને માંડ્યામાં કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીની ગૃહમંત્રી પ્રિયંક ખડગે વિરુદ્ધની ટિપ્પણીઓની નિંદા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન માંડ્યાના સંજય સર્કલ ખાતે યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ જૂના બેંગલુરુ-મૈસુર હાઈવેને જામ કરી દીધો હતો અને પોતાનો રોષ વ્યક્ત કરવા માટે માનવ સાંકળ રચી હતી. તેમણે કુમારસ્વામીના પોસ્ટરો હાથમાં પકડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું, “એક જવાબદાર કેન્દ્રીય મંત્રી માટે આવી ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. એક મોટા પરિવારના નેતાઓએ કેવી રીતે ગરિમા જાળવવી જોઈએ તે શીખો. તમે દલિત-વિરોધી છો; દલિત ગૃહમંત્રીને વ્યક્તિગત રીતે અપશબ્દો કહેવા યોગ્ય નથી.” આ પહેલા, કુમારસ્વામીએ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે જોડાયેલા કથિત બદનક્ષીકારક ‘સ્ટિંગ ઓપરેશન’ મામલે પ્રિયંક ખડગે પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે રાજ્ય સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જનતા દળ (સેક્યુલર)ના કાર્યકરોની અટકાયત કરવાને બદલે, સરકાર તેમને (કુમારસ્વામીને) સીધા બોલાવે અને પૂછપરછ કરે. ખડગે પર સીધો નિશાન સાધતા કુમારસ્વામીએ કહ્યું, “શું ગૃહ મંત્રાલય તમારા પિતાનું છે ? તમારા પિતાએ તમને આ વિભાગ નથી આપ્યો. આ તમારા પિતાનું નથી. જો તમે ગૃહમંત્રી છો, તો તે મુજબ કામ કરો. જો તમારી પાસે હિંમત હોય, તો મને નોટિસ મોકલો.” કેન્દ્રીય મંત્રીએ ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ખડગેના વર્તનની પણ ટીકા કરી હતી અને તેમને જાહેર નિવેદનોમાં સંયમ રાખવાની સલાહ આપી હતી. “પ્રિયંક ખડગેએ પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ. તેમણે પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. જાહેર જીવનમાં મારે કેવી રીતે વર્તવું, તે અંગે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું જોઈ રહ્યો છું કે ગૃહમંત્રી બન્યા પછી તેઓ કેવું વર્તન કરી રહ્યા છે. તેઓ સતત પ્રહારો કરી રહ્યા છે. પહેલા તેમણે પોતાની જીભ અને પોતાના વલણ પર કાબૂ રાખવો જોઈએ; ત્યાર બાદ જ તેઓ અન્ય કોઈને સલાહ આપી શકે છે,” તેમણે કહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks