ખાનગીકરણ સાથેની માનવતાવાદી સહાય ગાઝાવાસીઓની મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે; વિશ્વે હવે આ ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ

 

 

એક સંશોધન દર્શાવે છે કે ખાનગીકરણ અને લશ્કરીકરણ પર આધારિત આ મોડલ ચેતવણીરૂપ છે, કબજાવાળા વિસ્તારોમાં માનવતાવાદી રાહતને સુરક્ષાના સાધનમાંથી નિયંત્રણના સાધનમાં ફેરવવાના કેટલા ગંભીર જોખમો છે

 

 

(એજન્સી) તા.૪
૨૦૨૫માં છ મહિના સુધી ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (ય્ૐહ્લ)એ ગાઝામાં પેલેસ્ટીનીઓ સુધી ખોરાક પહોંચાડવા માટે અત્યંત અલગ પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. ફાઉન્ડેશને તેના દાતાઓની વિગતો જાહેર કરી નહોતી, પરંતુ તેને અમેરિકી સરકારે ઓછામાં ઓછા ૩ કરોડ અમેરિકી ડોલરની નાણાકીય મદદ આપી હતી. પારદર્શિતા અને સ્વતંત્ર દેખરેખ અંગેની ચિંતાઓ દર્શાવીને અનેક સ્થાપિત માનવતાવાદી સંસ્થાઓએ તેની સાથે સહકાર કરવાનો ઇન્કાર કર્યો હતો. સેંકડો માનવતાવાદી કેન્દ્રો મારફતે સહાયનું વિતરણ કરવાને બદલે ફાઉન્ડેશને માત્ર ચાર અત્યંત સુરક્ષિત કેન્દ્રોમાં વિતરણની વ્યવસ્થા કેન્દ્રિત કરી હતી. તેમાંથી ત્રણ દક્ષિણ ગાઝાના લશ્કરી વિસ્તારમાં અને એક મધ્ય ગાઝા સિટીમાં હતું. સશસ્ત્ર ખાનગી સુરક્ષા કોન્ટ્રાક્ટરોએ પણ આ વ્યવસ્થા ચલાવવામાં મદદ કરી હતી. ફાઉન્ડેશનનો દાવો છે કે તેણે ૧૮.૭ કરોડ ભોજનનું વિતરણ કર્યું અને ગાઝામાં સહાય પહોંચાડવાનો વધુ સારો રસ્તો છે. અહેવાલો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનામાં પણ આ મોડલ અપનાવવામાં આવ્યું છે. પરંતુ નવા સંશોધન મુજબ ખાનગીકરણ અને લશ્કરીકરણ પર આધારિત આ મોડલ ચેતવણીરૂપ છે. ખાસ કરીને કબજાવાળા વિસ્તારોમાં માનવતાવાદી રાહતને સુરક્ષા અને સંરક્ષણના સાધનમાંથી નિયંત્રણના સાધનમાં ફેરવવાના જોખમો અંગે દુનિયાએ તેમાંથી શીખવું જોઈએ. કબજાવાળા વિસ્તારોમાં આપવામાં આવતી માનવતાવાદી સહાય આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને માનવાધિકારોની જવાબદારીઓનું પાલન કરે તેવી હોવી જોઈએ. આ નિયમોનો હેતુ માત્ર નાગરિકોને ખોરાક પહોંચાડવાનો નથી, પરંતુ સહાય મેળવનારા લોકોની સુરક્ષા કરવાનો પણ છે. આ કાયદા હેઠળ કબજેદાર સત્તા પર નાગરિક વસ્તી પ્રત્યે વ્યાપક જવાબદારીઓ હોય છે. તેમાં ખોરાક અને તબીબી સામગ્રી જેવી આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી તથા જ્યારે નાગરિક વસ્તીને પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે માનવતાવાદી રાહત પહોંચાડવામાં સહાય કરવી સામેલ છે.કબજેદાર સત્તા કાયદેસર સુરક્ષા કારણોસર માનવતાવાદી કામગીરીને નિયંત્રિત કરી શકે છે. તે રાહત સામગ્રીની તપાસ કરી શકે છે, તેની માનવતાવાદી પ્રકૃતિની ચકાસણી કરી શકે છે અને સહાયનો લશ્કરી હેતુ માટે દુરુપયોગ ન થાય તે માટે પગલાં લઈ શકે છે. પરંતુ આ સત્તાઓની પણ મર્યાદા છે. માનવતાવાદી રાહત નિષ્પક્ષ અને જરૂરિયાત આધારિત હોવી જોઈએ. નાગરિકો સાથે માનવીય અને ભેદભાવ વિના વર્તન થવું જોઈએ. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશનનું મોડલ કાયદાકીય રીતે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ફાઉન્ડેશનની કામગીરી શરૂ થઈ તે પહેલાં ગાઝામાં ૪૦૦થી વધુ ેંદ્ગ-સમન્વિત સ્થળો મારફતે માનવતાવાદી સહાયનું વિતરણ થતું હતું. ફાઉન્ડેશને આ નેટવર્કને બદલીને ચાર મોટા વિતરણ કેન્દ્રો ઊભાં કર્યા. આ કેન્દ્રો ક્યાં હતાં તે ખૂબ મહત્વનું હતું. ગાઝાની દક્ષિણ તરફ રહેતા નાગરિકો આ કેન્દ્રો સુધી પહોંચવા માટે એવા માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર હતા, જ્યાંથી તેમને ભારે શસ્ત્રોથી સજ્જ ઇઝરાયેલી લશ્કરી દળો અને લશ્કરી મથકો વચ્ચેથી પસાર થવું પડતું હતું. ઉત્તર ગાઝામાં રહેતા લોકો માટે આ મુસાફરી ખૂબ લાંબી હતી. મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો જેવા સંવેદનશીલ લોકો માટે આ વ્યવસ્થા મુશ્કેલ હતી. પેલેસ્ટીનીઓને ઘણી વખત અત્યંત જોખમી મુસાફરી કરીને સહાય કેન્દ્રો સુધી પહોંચવું પડતું હતું અને ત્યાં પહોંચ્યા બાદ પણ તેઓ ખાલી હાથે પરત ફરતા હતા. સહાય વિતરણનો સમય પણ અનિશ્ચિત હતો. ઘણી વખત નાગરિકોને કેન્દ્ર ખુલવાના માત્ર થોડા સમય પહેલાં જાણ કરવામાં આવતી હતી. કેટલીક વખત કેન્દ્રો ખૂબ જ ટૂંકા સમય માટે જ ખુલ્લાં રહેતાં હતાં. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર સહાયનું વિતરણ માનવતાવાદી જરૂરિયાતના આધારે થવું જોઈએ. એવી વ્યવસ્થા, જેમાં સૌથી વધુ સંવેદનશીલ નાગરિકો માટે સહાય સુધી પહોંચવું ખાસ મુશ્કેલ બની જાય, તે આ માપદંડનું પાલન કરે છે કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશનના મોડલમાં ખાનગી સુરક્ષા કોન્ટ્રાક્ટરો પર પણ આધાર રાખવામાં આવ્યો હતો. કેટલાક કોન્ટ્રાક્ટરો પાસે માનવતાવાદી ક્ષેત્રનો બહુ ઓછો અથવા કોઈ અનુભવ નહોતો. કોન્ટ્રાક્ટરો સશસ્ત્ર હતા અને કામગીરી શરૂ થઈ ગયા બાદ જ તેમને કથિત રીતે બળપ્રયોગ અંગેના નિયમો આપવામાં આવ્યા હતા. ખાનગી સુરક્ષા કંપનીઓનો ઉપયોગ માનવતાવાદી કામગીરી સાથે અસંગત નથી. તેઓ નાગરિકોની સુરક્ષા કરી શકે છે, સહાયના કાફલાને સુરક્ષિત રીતે લઈ જઈ શકે છે અને માનવતાવાદી કેન્દ્રોની સુરક્ષા કરી શકે છે. પરંતુ માનવતાવાદી કામગીરીની સુરક્ષા કરવી અને લશ્કરી અથવા સરકારી સુરક્ષા કામગીરી બજાવવી, આ બંને વચ્ચેનો તફાવત મહત્વપૂર્ણ છે. બળજબરીપૂર્વક ભીડને નિયંત્રિત કરવી, ગુપ્ત માહિતી એકત્રિત કરવી, સુરક્ષા તપાસ કરવી અને નાગરિક વિસ્તારોમાં બળનો ઉપયોગ કરવા જેવી પ્રવૃત્તિઓ અયોગ્ય અસર કરી શકે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાક્ટરો ‘શંકાસ્પદ’ ગણાતા લોકો પર નજર રાખતા હતા, ઇઝરાયેલી સૈન્યને માહિતી આપતા હતા અને ચહેરો ઓળખવાની સર્વેલન્સ વ્યવસ્થા સાથે મળીને કામ કરતા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks