નડિયાદ,તા.૧૬
ઓરી રૂબેલા જેવા જીવલેણ રોગથી દેશમાં વર્ષે પ૦ હજારથી વધુ બાળકોના અપમૃત્યુ તથા તેનાથી વધુ બાળકોને આ રોગની આડઅસર થવાથી અન્ય રોગો કે શારીરિક વિકૃતિ થાય છે. આમ ના થાય અને આ જીવલેણ રોગથી બાળકોને બચાવી શકાય તે માટે સમગ્ર રાજયમાં તો ૧૬મી જુલાઈથી એક માસ માટે ઓરી રૂબેલાની રસી નવ માસના બાળકથી લઈ ૧પ વર્ષ સુધીના બાળકને આપવાનું અભિયાન શરૂ થયું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં શ્રીલક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ વડતાલ ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેમ જિલ્લા આરસીએચ અધિકારી ડો. ડી.એન. બારોટએ જણાવ્યું હતું.
ડો. બારોટએ જણાવ્યું હતું કે જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકોને રસી આપી સો ટકા રસીકરણની સિધ્ધિ હાંસલ કરવાની જિલ્લા આરોગ્ય તંત્રની નેમ છે આમ જિલ્લામાં છ હજારથી વધુ આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓ છેલ્લા બે માસથી માઈક્રો પ્લાનીંગ સાથે કાર્યરત છે. ડો. બારોટએ જણાવ્યું હતું કે આ રસીની કોઈ આડઅસર નથી. બાળકોને હાથ ઉપર આ રસી આપવામાં આવે છે જે બાળકને રસી અપાઈ ગઈ હોય તેનો રેકોર્ડ રાખવામાં આવે છે તથા બાળકને ડાબા હાથની આગળી ઉપર શાહીથી નિશાન કરવામાં આવે છ. આ રસી બાળકને ફકત એક વાર આપવામાં આવતી હોય અને તે પણ ડિસ્પોઝીબલ સોય દ્વારા આપવામાં આવે છે.
આરોગ્ય અધિકારી એચ.એમ.શેખે જણાવ્યું હતું કે ભારતમાં ચાર રાજયોમાં આ રસીકરણ સફળતાપૂર્વક પુરૂં કરવામાં આવ્યું છે અને લગભગ ૧.પ૦ કરોડથી વધુ બાળકોનું રસીકરણ થયું છે.