ખેડા-બનાસકાંઠા જિ.પંચાયત તથા ૧૭ તાલુકા પંચાયતોની ર૧મી ફેબ્રુઆરીએ ચૂંટણી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૧
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને હજુ લાંબો સમય થયો નથી ત્યાં હવે રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના પ્રચાર-પડઘમનો માહોલ ઊભો થવા થઈ રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ફેબ્રુઆરી માસમાં ચૂંટણીઓ યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાઈ છે. ત્રણ તબક્કામાં યોજાનાર આ ચૂંટણીઓમાં સૌ-પ્રથમ ગ્રામ પંચાયતોની તે પછી પાલિકાઓની અને હવે આજે ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતો તથા ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત પંચ દ્વારા કરવામાં આવી છે. તા.ર૧મી ફેબ્રુઆરીએ યોજાનાર આ ચૂંટણીને લઈ આજથી જ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યમાં મુદ્દત પૂર્ણ થનાર ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા જે તે કારણોસર ખાલી પડેલી આવી સંસ્થાઓની બેઠકોની પેટાચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે ત્રણ તબક્કામાં કાર્યક્રમ ઘડી કાઢ્યો છે અને તે મુજબ એક પછી એક ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૧૪ર૩ ગ્રામપંચાયતોની તથા તે પછી ૭પ નગરપાલિકાઓની એમ બે તબક્કાની ચૂંટણીની જાહેરાત બાદ આજે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
પંચ દ્વારા કરાયેલ જાહેરાત મુજબ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ બનાસકાંઠા, ખેડા અને ગાંધીનગર જિલ્લાની કુલ ૧૭ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની આજે જાહેરાત કરી હતી. આ સિવાય જે તે કારણોસર ખાલી પડેલી વિવિધ જિલ્લા પંચાયતોની પાંચ બેઠકો અને વિવિધ રપ તાલુકા પંચાયતોની ર૮ બેઠકો માટે પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામુ તા.૩જી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે એ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરાવવાનો પ્રારંભ થશે. ઉમેદવારી પત્રકોની ચકાસણી તા.૯ ફેબ્રુઆરીએ અને મતદાન તા.ર૧મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી પ-૦૦ વાગ્યા સુધી યોજાશે. મતગણતરી ર૩મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. આ ચૂંટણીમાં પણ ઈવીએમનો ઉપયોગ કરાશે અને હાઈકોર્ટના આદેશ અનુસાર નોટાનો પણ અમલ કરવામાં આવશે. આજે ચૂંટણીની જાહેરાત થતા પંચના નિયમ મુજબ ચૂંટણી યોજાતા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો અમલ આજથી જ શરૂ થઈ જવા પામેલ છે.

ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણીના જાહેરનામાની તારીખ ૩-૨-૨૦૧૮
ઉમેદવારીપત્રોની છેલ્લી તારીખ ૮-૨-૨૦૧૮
ઉમેદવારીપત્રોની ચકાસણી ૯-૨-૨૦૧૮
ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૦-૨-૨૦૧૮
મતદાન ૨૧-૨-૨૦૧૮
મતગણતરી ૨૩-૨-૨૦૧૮

૧૭ તાલુકા પંચાયતો

જિલ્લો તા.પંચાયત
બનાસકાંઠા પાલનપુર, ડીસા, દાંતા, ભાભર, ધાનેરા, અમીરગઢ, લાખણી, કાંકરેજ, દિયોદર, વાવ, થરાદ, સૂઈગામ, દાંતીવાડા, વડગામ
ખેડા કપડવંજ, કઠલાલ
ગાંધીનગર ગાંધીનગર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks