(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ૯
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ છેલ્લા અઢી દાયકાથી કથળી ગઇ છે. દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ત્યારે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. ખેડૂતો પોતાની મહેનતની ખેતી કરી પાક ઉત્પાદન કરતા હોવા છતા પૂરતા ભાવો મળતા નથી. તેમ છતાં સરકાર દ્વારા કોઇજાતની ગંભીરતાથી નોંધ લેવાતી નથી. ખેડૂતોના અનેક સમસ્યાઓના તાકીદે નિવારણ લાવવા ઉના મામલતદાર કચેરી સામે બેઠી રામધુન બોલાવી મોદી હાય-હાયના નારા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જે વેળા ધારાસભ્ય પુંજાભાઇ વંશ, યુવા પ્રમુખ યોગેશભાઇ બાંભણીયા તેમજ કાન્જીભાઇ સાંખટ સહિત કોંગ્રેસ કાર્યકર્તા ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહી ઉના તથા ગીરગઢડા મામલતદારને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે ખેડૂતોની કિંમતી ખેતીવાળી જમીન નિયમ વિરૂદ્ધ સપાદન કરવામાં આવી રહી છે. જૂની માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકર્ડની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરી ખેડૂતોને ન્યાય મળવો જોઇએ. છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં કેનાલ સબકેનાલનું કામ પૂર્ણ થયુ નથી. ખેડૂતોને ૧૨ કલાક માટે વિજળી આપવામાં આવતી હતી તે હવે છેલ્લા બે દાયકાથી માંડ ૬થી ૮ કલાક માટે અને તે પણ અગવડભર્યા સમયે વિજળી આપવામાં આવે છે. જ્યારે ઉદ્યોગપતિઓને અત્યંત સરળતાથી પુરતા પ્રમાણમાં વિજળી પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર ખેડૂતોના નામે માત્ર મોટી મોટી વાતો કરે છે. રાજ્ય સરકાર સંદતર નિષ્ફળ નિવડી છે. આમ ખેડૂતોના વિવિધ પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ આવે તેવી તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઉના તેમજ ગીરગઢડા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી માંગ કરી હતી.