ખેડૂતોની માગ પૂરી નહીં થાય તો ખેલ રત્ન એવોર્ડ પરત કરીશ : વિજેન્દરસિંહ

વિજેન્દર દિલ્હી સરહદે ખેડૂતો વચ્ચે પહોંચ્યો અને ભારત માટે પ્રથમ બોક્સિંગ એવોર્ડ જીતવા બદલ મળેલા રાજીવ ગાંધી ખેલ રત્નને પરત આપવાની જાહેરાત કરી હતી

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૬
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા વિજેન્દરસિંહે ખેડૂતોના આંદોલનને સમર્થન કર્યું છે. વિજેન્દરે કહ્યું છે કે, જો સરકાર આ કાળા કાયદાઓને પાછા નહીં ખેંચે તો હું મારા ખેલ ચંદ્રકને પરત કરીશ. વિજેન્દરને રમતના સર્વોચ્ચ રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરાયો હતો. બોક્સર વિજેન્દરસિંહ રવિવારે દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો પાસે પહોંચ્યો હતો અને ખેડૂતોને સંબોધન કર્યું હતું. વિજેન્દરે વર્ષ ૨૦૦૮માં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીત્યો હતો જે બોક્સિંગમાં ભારત માટે પ્રથમ ચંદ્રક હતો. હરિયાણાનો નિવાસી વિજેન્દર એક દિવસ પહેલાં જ શનિવારે પંજાબી ગાયક દિલજીત દોસાંજ સિંઘુ બોર્ડર પર પહોંચ્યો હતો. તેણે ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવ્યો હતો.
વિજેન્દરે કહ્યું હતું કે, હવે બહુ થયું, જો સરકાર ખેડૂતોની માગ નહીં માને તો મેં નિર્ણય કર્યો છે કે, એકજૂટતા દેખાડીને હું મારો ખેલ રત્ન પુરસ્કાર પરત આપી દઇશ. હું ખેડૂતો અને સેનાની સાથે ઘરોબો રાખનારા પરિવારમાંથી આવું છું. હું તેમની પીડા અને મજબૂરી સમજી શકું છું. હવે સમય આવીગયો છે કે, સરકાર તેમની માગો પર ધ્યાન આપે. વિજેન્દર પંજાબ અને હરિયાણાના એ ખેલાડીઓ અને કલાકારોમાં સામેલ થઇ ગયો છે જેમણે ખેડૂતોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને દિલ્હી ચલો અભિયાનમાં જોડાયા છે. ખેડૂતોના આંદોલનનો રવિવારે ૧૧મો દિવસ હતો. વિજેન્દરને ટ્રેનિંગ આપનારા બોક્સર કૌલ સિંહ, જયપાલ સિંહ અને ગુરબક્ષસિંહ સંધુએ પણ એક દિવસ પહેલા ખેડૂતોનું સમર્થન કરતા આરોપ લગાવ્યો હતો કે, સરકાર તેમની માગો પર ધ્યાન આપી રહી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks