(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
ભાજપની નવી સરકાર રચના બાદથી જ યેનકેન પ્રકારે ચર્ચામાં રહે છે. હવે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને પડતા પર પાટુ સમાન ઘા મારતું નિવેદન કરતાં ખેડૂત આલમમાં નારાજગી ફેલાવવા સાથે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આગામી ઉનાળામાં રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાનું ન હોઈ ઉનાળુ પાકનું વાવેતર ન કરવાનું આજે નિવેદન કરતાં રાજ્યના ખેડૂતો માટે ચિંતામાં વધારો થવા પામ્યો છે. અગાઉ રાજ્યના એક મંત્રી કુમાર કાનાણીએ ગુજરાતના ખેડૂતોને તમાકુનું વાવેતર બંધ કરવાની સલાહ આપી હતી તે પછી થોડાક દિવસો અગાઉ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાની મંત્રી પાસેથી વિગતો બહાર આવી ત્યારે રાજ્યમાં વ્યાપક ચર્ચા ઊઠી હતી.
પાતળી બહુમતિથી રચાયેલી રાજ્યની ભાજપ સરકાર પાણી મુદ્દે પાણીમાં બેસી ગઇ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે પાણી નહિં મળે તેવું જણાવતા ખેડૂતો માટે પાણી વગરનો આ વખતનો ઉનાળો બધી રીતે આકરો બની રહેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
જે નર્મદા ડેમ અને તેની કામગીરીના વિકાસનો જશ ખાટવામાં રાજ્ય સરકાર કોઇ કસર છોડતી નથી. તે નર્મદાના પાણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા નિવેદનથી ખેડૂતોને ઉનાળો શરૂ થયા પહેલા જ પરસેવો છૂટી ગયો છે. પાણીદાર સરકાર હોવાનો દાવો કરતી રૂપાણી સરકાર પાણી મુદ્દે પાણીમાં બેસી જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે જણાવ્યું છે કે, મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જવાથી આ વખતે ઉનાળામાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહીં મળે. આથી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પાણી કાપ મૂક્યો હોવાથી સરકાર પાણી આપવા અસમર્થ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે અગાઉ ચૂંટણીમાં વાહવાહી લૂંટી મતો મેળવવા માટે થોડા સમય પહેલા મોટા ઉપાડે લોકાર્પણો કરતી આ સરકારને પાણીની અછત વિશે કોઇ ખ્યાલ નહીં હોય ? તેમ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જો સરકાર ત્યારે પાણીના પ્રશ્ન અંગે સભાન હોત અને પાણીનો સંગ્રહ કરી રાખ્યો હોત તો ખેડૂતોને સિંચાઇથી વંચિત રહેવાનો વારો ન આવત. એક તરફ ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ટેકાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે હવે ભાજપ સરકારના પાણી ન આપવાના નિવેદનને કારણે તેમના ઘા પર જાણે મીઠુ ભભરાવવામાં આવ્યું હોય તેવી પીડા ખેડૂતો ભોગવી રહ્યા છે. સરકારની અણઆવડત અને અપૂરતા આયોજનને કારણે ખેડૂતો માટે આ વખતનો ઉનાળો ખરેખર આકરો રહેશે તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે.