ખેડૂત આંદોલન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ : કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે

 

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૦
કેન્દ્રીય ઉપભોકતા બાબતોના રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ બુધવારે વિચિત્ર દાવો કર્યો હતો કે, ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે સંશોધિત નાગરિકતા અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશનને લઈને પહેલા મુસલમાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, પરંતુ આ પ્રયાસ સફળ થયો નહીં. તેઓએ કહ્યું કે હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે નવા કાયદાના કારણે તેમને નુકસાન થશે. તેમણે આરોપ લગાવ્યો કે, જે આંદોલન ચાલી રહ્યું છે, તે ખેડૂતોનું નથી. તેની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. આ દેશમાં મુસલમાનોને પહેલા ભડકાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે, એ પ્રયાસ સફળ નથી થયા અને હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. આ બીજા દેશોનું કાવતરું છે.
જોકે મંત્રીએ આ વિશે વિસ્તારથી ન જણાવ્યું કે કયા આધાર પર તેઓએ આ દાવો કર્યો છે કે ખેડૂતોના વિરોધ પાછળ બંને પડોશી દેશો છે. દાનવેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના વડાપ્રધાન છે અને તેમનો કોઈ પણ નિર્ણય ખેડૂતોની વિરુદ્ધ નહીં હોય. દાનવેએ એમ પણ કહ્યું કે, માત્ર નરેન્દ્ર મોદી સરકારે જ ખેડૂતોને નાણા આપવાની પહેલા કરી છે પરંતુ અગાઉની સરકારો આમ કરી શકી નથી. ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ચીન અને પાકિસ્તાનને ખેંચવા માટે દાનવે પર કટાક્ષ કરતાં શિવસેના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવાના કારણે બીજેપી નેતા પોતાના હોશમાં નથી. તેમને ખબર જ નથી કે તેઓ શું બોલી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks