અમદાવાદ, તા.૧૬
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ એક બિલ્ડરે ફતેહવાડીની સીમમાં ૧૦૪૩ ચો.મી. જમીન ત્રણ ભાગીદારો પાસેથી ખરીદી હતી. પરંતુ આ જમીન પર બાંધકામ શરૂ કર્યા બાદ જમાલપુર ખાતે રહેતા શખ્સે તેમને અને ત્રણ ભાગીદારોને તેમના વકીલ મારફતે નોટિસ મોકલી જમીન પરનું બાંધકામ રોકી જમીનનો કબજો મેળવવાની માગ કરતા હાલના જમીનના કબજેદારે પોતે છેતરાયા હોવાનું લાગતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેચવા બદલ વિશ્વાસઘાત છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે. જુહાપુરા કરીમાબાદ સોસાયટી ખાતે રહેતા મોહંમદ શોએબ શેખે નોંધાવેલી ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેમણે ફતેવાડીની સીમના સર્વે નં.ર૪/૩ પૈકી જૂની શરતની જમીનમાં આવેલ પ્લોટો જે મોહંમદી પાર્કથી ઓળખાય છે તે પ્લોટો પૈકી પ્લોટ નં.૧ની ૧૦૪૩ ચોરસવાર જમીન જમાલપુર ચકલામાં રહેતા દુરદાના મોહંમદ ખલીલ શેખ, ફકીરમોહંમદ યુસુફભાઈ તાઈ અને ઈકબાલભાઈ નુરમોહંમદ તાઈ પાસેથી તા.ર૬/૦૯/૧૭ના રોજ ૧૩,રપ,૦૦૦/- રૂપિયા આપી વેચાણ કબજા કરાર તથા જનરલ પાવર ઓફ એટર્નીથી વેચાણ રાખ્યા હતા. આ પ્લોટ ઉક્ત ત્રણે ભાગીદારોએ ઈલ્યાસભાઈ ઈસ્માઈલભાઈ પટેલ (રહે. જમાલપુર દરવાજા કોટની રાંગ) પાસેથી ગઈ તા.૧૬/૦૩/ર૦૧૦ના રોજ કબજા સાથેનો વેચાણ કરાર તથા પાવર ઓફ એટર્નીથી વેચાણ રાખ્યો હતો. થોડા દિવસો પછી તેમણે આ જમીનમાં રૂહીન ડુપ્લેક્ષ બાંધકામની યોજના શરૂ કરી હતી. દરમિયાન તા.૧૬/૧૦/૧૭ના રોજ મોહંમદઈસ્માઈલ મોહંમદહનીફ શેખ દ્વારા એક લીગલ નોટિસ તેમના વકીલ મારફતે મોહંમદ શોએબ શેખના અગાઉના માલિકો તથા તેમને મોકલવામાં આવી હતી અને તેમાં અમારા દ્વારા આ જમીનમાં કરવામાં આવેલ બાંધકામ તત્કાળ રોકી અમારી પાસેથી કબજો મેળવવાની માંગ કરી હતી. જે નોટિસનો જવાબ મોહંમદઈસ્માઈલ મોહંમદહનીફ શેખને અમે તા.૧૯/૧૦/૧૭ના રોજ વળતી નોટિસથી કરી હતી તે પછી અમે ઈલિયાસ ઈસ્માઈલભાઈ પટેલનો સંપર્ક કરતા અમોને ઉડાઉ જવાબ આપ્યો હતો. તે પછી અમારા ધ્યાન ઉપર આવ્યું હતું કે આ ઈલ્યાસભાઈ ઈસ્માઈભાઈ પટેલે અમદાવાદ રૂરલના મે.પ્રિન્સિપાલ સી.સી. જજની કોર્ટમાં એપ્રિલ-ર૦૧૭ના રોજ સર્વે નં.ર૪/૩ની સંપૂર્ણ જમીન પરત્વે તેઓનો માલિકી હક પ્રસ્થાપિત કરવા માટે દીવાની દાવો દાખલ કરેલ છે. જેમાં આ ઈલ્યાસભાઈ ઈસ્માઈલભાઈ પટેલે નોટરી સમક્ષ તા.૭/૧૦/૧૭ના રોજ ડેકલેરેશનમાં આ સર્વે નં.ર૪/૩ના માલિક તરીકે મોહંમદઈસ્માઈલ મોહંમદહનીફ શેખને દર્શાવેલ છે. આમ, ઈલ્યાસભાઈ પટેલ સર્વે નં.ર૪/૩ના કાયદેસરના માલિક ન હોવા છતાં તા.૧૬/૦૩/૧૦ના રોજ ખોટા તથા બનાવટી કુટલેખ ઊભા કરી તેને સાચા તરીકે ઉપયોગ કરી આ પ્લોટ નં.૧ વાળી જમીન મોહંમદખલીલ શેખ, ફકીરમોહંમદ તાઈ અને ઈકબાલભાઈ નુરમોહંમદ તાઈને વેચાણ આપી હતી અને તેમની પાસેથી મેં ખરીદી હતી. આમ આ ઈલ્યાસભાઈ પટેલે તેમની અગાઉના મૂળ માલિકો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.