
સુરેન્દ્રનગર, તા.૧૮
ચોટીલા તાલુકાના આણંદપૂર (ભાડલા ) ગામના વતનપ્રેમી વિરલા તરીકે જાણીતા બિલ્ડર ગનીભાઇ આદમભાઇ વડિયા ઘણા વર્ષોથી ગાંધીનગર મુકામે સ્થાયી છે. તેઓ ત્યાં બિલ્ડર્સ છે અને તેમના બે પુત્રો કેનેડામાં બિઝનેસ ધરાવે છે. કોમી એકતાના દર્શન કરાવતા તેઓએ આણંદપૂરની ૧૦૦ મહિલાઓને વિવિધ હિન્દૂ યાત્રાધામની જાત્રા કરાવી હતી. ગનીભાઇ વડીયા ઘણા સમયથી વતન છોડી ચાલ્યા ગયા છે. છતાં હજુ તેઓના દિલમાં પોતાની જન્મભૂમિ પ્રત્યે અનહદ પ્રેમ છે. દર દિવાળીએ સહપરિવાર ગાંધીનગરની લક્ઝરીયસ લાઈફ મૂકી આનંદપૂર પોતાના બાપદાદાના આંગણે પોતાના ભાઈઓ અને આણંદપૂર ગામના દરેક જ્ઞાતિજનો સાથે હજારો રૂપિયાના ખર્ચે દિવાળીનુ પર્વ ઉજવે છે. ગામની ગરીબ હિન્દૂ અને મુસ્લિમ બહેનોને સાડી, મીઠાઈ અને રોકડ રકમ ભેટ આપે છે. તાજેતરમાં તેઓએ આણંદપૂર ગામના ૧૦૦ હિન્દૂ મહિલાઓને આણંદપૂરથી વીરપુર, કાગવડ, જૂનાગઢ, સતાધાર, રામપુરા, દ્વારિકા, બગદાણા જેવા ધાર્મિક સ્થળની યાત્રા કરાવી હતી. આ પહેલાં બે વર્ષ પૂર્વે આણંદપૂર ગામના વેપારી, ગ્રામજનો અને ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ગાંધીનગર અક્ષરધામ મહોત્સવમાં અને મહુડી દર્શન કરાવ્યા હતા.