રમઝાન સંદેશ-૧૨
આપણે જોઈએ છીએ કે સમાજમાં કેટલાક લોકો ગરીબ, નિર્ધન, વિવશ અને જરૂરતમંદ હોય છે. ધનવાનોનું કર્તવ્ય છે કે તેમનું ધ્યાન રાખે, આવશ્યકતાનુસાર તેમની સહાયતા કરે અને તેમનો આધાર બને. ઈસ્લામ આ સંદર્ભમાં ‘મુસ્લિમ’ અને ‘બિન મુસ્લિમ’માં કોઈ ભેદ કરતો નથી. તે તેમના માટે પણ પોતાના ધનને ખર્ચવાની તાકીદ કરે છે, એટલું જ નહી, બલ્કે એ પણ સ્પષ્ટતા કરે છે કે તેમના માટે માત્ર અલ્લાહને ખુશ કરવા ખર્ચ કરે. તેમનાથી કોઈ અંગત હિત કે સ્વાર્થની અપેક્ષા ન રાખે અને તેના દ્વારા તેમના ઈસ્લામ સ્વીકારની પણ આશા ન રાખે
કુર્આનમાં ઉલ્લેખ છે કે, “જો તમારૂં દાન જાહેરમાં આપો તો, એ પણ સારૂં છે, પરંતુ જો છૂપાવીને જરૂરતમંદોને આપો, તો તે તમારા માટે વધુ સારૂં છે, તમારી ઘણી બૂરાઈઓ આ રીતે દૂર થઈ જાય છે અને જે કંઈ તમે કરો છો, અલ્લાહને વાસ્તવમાં તેની જાણ છે. લોકોને માર્ગદર્શન પ્રદાન કરવાની જવાબદારી તમારા ઉપર નથી. માર્ગદર્શન તો અલ્લાહ જ જેને ચાહે છે, પ્રદાન કરે છે અને ભલાઈના કાર્યોમાં જે ધન તમે ખર્ચ કરો છો તે તમારા પોતાના માટે સારૂં છે. છેવટે તમે એટલા જ માટે તો ખર્ચ કરો છો કે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત થાય, તો જે કંઈ ધન તમે ભલાઈના કાર્યોમાં ખર્ચ કરશો, તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અને તમને તમારા હક્કથી કદાપિ વંચિત રાખવામાં નહી આવે.”(કુર્આન, ર : ર૭૧-ર૭ર)
ઉપરોક્ત આયતમાં ગરીબો માટે જાહેર અને છૂપી રીતે દાન કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે અને સાથે એવો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જેમના માટે દાન કરો છો કે જેમની તમે મદદ કરો છો તેમનાથી એ અપેક્ષા ન રાખો કે તેઓ ઈસ્લામનો સ્વીકાર કરશે તો જ દાન કરશો, બલ્કે માર્ગદર્શન પ્રદાન કરવાની જવાબદારી અલ્લાહની છે, લોકોની નહી. વ્યક્તિનું કામ માત્ર એટલું જ છે કે કોઈ ઈસ્લામ સ્વીકારે કે ન સ્વીકારે, જો તે જરૂરતમંદ હોય તો તેની મદદ કરે. કેટલાક મુસલમાનો પયગંબર (સ.અ.વ.)ના જમાનામાં પોતાના બિનમુસ્લિમ ગરીબ સગા-સંબંધીઓ ઉપર ખર્ચ કરતા નહોતા, તેમનામાંથી કેટલાકે પયગંબર (સ.અ.વ.)ને આ અંગે પૂછતા આ આયતનું અલ્લાહ તરફથી અવતરણ થયું.(તફસીરે તબરી, પ૮૮/પ, તફસીરે કબીર, ૩૬પ/ર)(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
જો તમારૂં દાન જાહેરમાં આપો તો, એ પણ સારૂં છે, પરંતુ જો છૂપાવીને જરૂરતમંદોને આપો, તો તે તમારા માટે વધુ સારૂં છે, તમારી ઘણી બૂરાઈઓ આ રીતે દૂર થઈ જાય છે અને જે કંઈ તમે કરો છો, અલ્લાહને વાસ્તવમાં તેની જાણ છે. લોકોને માર્ગદર્શન પ્રદાન કરવાની જવાબદારી તમારા ઉપર નથી. માર્ગદર્શન તો અલ્લાહ જ જેને ચાહે છે, પ્રદાન કરે છે અને ભલાઈના કાર્યોમાં જે ધન તમે ખર્ચ કરો છો તે તમારા પોતાના માટે સારૂં છે.