ગાંધીનગર મ્યુનિ.ની શહેરી સર્વિસની બસો એકાએક ડિટેઈન કરી લેવાતા શાસકો ખફા !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૪
ગાંધીનગર મ્યુનિ. કોર્પો.માં ભાજપનું શાસન હોવા છતાં ભાજપની જ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી દ્વારા મ્યુનિ.ના ભાજપી શાસકોની ફજેતી કરવા સમાન બીજી આકરો નિર્ણય લેતા શાસકો ધુઆંપુઆં થઈ જવા પામ્યા છે. બીજી તરફ આ કિસ્સાથી એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે, મોદીના ગયા બાદ ભાજપી શાસકોની ઉચ્ચ અધિકારીઓ પર પકડ ઢીલી પડી રહી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા ગાંધીનગર વિસ્તારમાં પ્રજાની સુવિધા માટે ચલાવતા શહેરી બસ સેવાની બસો રાજ્યના વાહનવ્યવહાર કમિશનર દ્વારા એકાએક ડિટેઈન કરી લેવાતા ભાજપી શાસકોની જોવા જેવી હાલત થવા પામી છે. અધિકારીના જોહુકમીભર્યા આ પગલાંથી રોષે ભરાયેલા શાસકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડી ગયા હતા. રાજ્યના કેટલાક શહેરોમાં લોકોની સુવિધા માટે શહેરી બસ સર્વિસ ચલાવવામાં આવે છે. જેમાં કેટલાક સ્થળે એસટી દ્વારા આ સેવા ચલાવાતી હોય છે તો અમુક સ્થળે ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો દ્વારા આ સેવા ચલાવાતી હોય છે. જેમાં ગાંધીનગર મ્યુનિ. કોર્પો. દ્વારા પણ પ્રજાજનોને શહેરી વિસ્તારમાં આવ-જા કરવાની સુવિધા મળી રહે તે માટે શહેરી બસ સેવા શરૂ કરાઈ હતી. જે માટે શાસકો દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બસો ચલાવવામાં આવતી હતી તે દરમિયાન એકાએક શહેરી બસ સર્વિસની બસો રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડિટેઈન કરવામાં આવતા ઉહાપોહ થઈ જવા પામ્યો હતો. આ બસો રાજ્યના વાહન વ્યવહાર કમિશનર વિપુલ મિશ્રા અને સોનલ મિશ્રાના આદેશ અનુસાર ડિટેઈન કરાઈ હોવાની વિગતો મ્યુનિ.ના ભાજપી શાસકોને પ્રાપ્ત થતાં તેઓ ધુઆંપુઆં થઈ ગયા હતા. બસો ડિટેઈન કરવા પાછળ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મંજૂરી વિના મ્યુનિ. કોર્પો. દ્વારા એસટી સેવાને સમાંતર શહેરી બસ સેવા ચલાવાઈ રહી હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન ગાંધીનગર મ્યુનિ. કોર્પો.ના ભાજપ શાસકો, મેયર પ્રવિણ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુ પટેલ ઉચ્ચ અધિકારીના આ રીતના કોઈપણ જાતની નોટિસ કે અગાઉથી જાણ વિના એકાએકના નિર્ણયથી અત્યંત નારાજ થઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા સચિવાલય દોડી ગયા હતા. મુખ્યમંત્રી કાર્યાલયે તેઓ ના મળતા મુખ્યમંત્રીના બંગલે તેઓ રજૂઆત માટે પહોંચી ગયા હતા. આ રીતે બસો બંધ કરી હોવાને લીધે પ્રજાજનોને હાલાકી વેઠવી પડી રહી હોઈ તે માટે મુખ્યમંત્રીને વાકેફ કરી બસ સેવા પુનઃ ચાલુ કરવા રજૂઆત કરવાની વાત કરતા આ શાસકોએ અધિકારીનો નિર્ણય મનસ્વી જોહુકમી પૂર્ણ હોવાનું ગણાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks