• મંગળવારે થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલામાં પશ્ચિમ ગાઝા શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું
• ગાઝામાં હમાસના આંતરિક સુરક્ષા વડા નઈમ અબુ નાહેલનું મૃત્યુ
(એજન્સી) તા.રપ
હમાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે પશ્ચિમ ગાઝા શહેરમાં થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલામાં ગાઝામાં હમાસની આંતરિક સુરક્ષા વ્યવસ્થાના વડા, નઈમ અબુ નાહેલ માર્યા ગયા છે.ઈઝરાયેલી સેના અને આંતરિક સુરક્ષા સેવા ‘શિન બેટ’એ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે હમાસના એક વરિષ્ઠ સભ્યને નિશાન બનાવ્યા છે. જોકે, તેમણે તે વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી અને જણાવ્યું છે કે વધુ વિગતો પછીથી આપવામાં આવશે. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ એએફપીને જણાવ્યું કે, મંગળવારે ગાઝામાં થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલાઓમાં એક કિશોર સહિત છ લોકોનાં મોત થયા છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે મંગળવારે ગાઝામાં ઓછામાં ઓછો એક હવાઈ હુમલો કર્યો હતો અને અન્ય એક હુમલાના અહેવાલોની તપાસ કરી રહ્યા છે. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસલે એએફપીને જણાવ્યું કે, ગાઝા શહેર નજીક થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલામાં ૧૭ વર્ષના કિશોર સહિત ત્રણ લોકોના મોત થયા છે. બસલે વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ગાઝાના અલ-મવાસી વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન પર થયેલા અલગ હવાઈ હુમલામાં વધુ ત્રણ લોકો માર્યા ગયા છે. હમાસના નિયંત્રણ હેઠળ કામ કરતા ગાઝા પોલીસ દળે જણાવ્યું કે, મૃતકોમાં ૨૩ અને ૩૩ વર્ષની વયના બે પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા તેને પેલેસ્ટીન ક્ષેત્રમાં “પોલીસ તંત્રને નિશાન બનાવતી ચાલુ ઝુંબેશનો એક ભાગ” ગણાવ્યો છે. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે તેમણે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં “આતંકવાદીઓને નિશાન બનાવ્યા” હતા. ઈઝરાયેલ અને હમાસ એકબીજા પર વારંવાર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવતા રહે છે. આ યુદ્ધવિરામ ઓક્ટોબર ૨૦૨૫માં અમલમાં આવ્યો હતો, જેની શરૂઆત ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ પેલેસ્ટીની સંગઠન (હમાસ) દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા બાદ થઈ હતી અને તે બે વર્ષ સુધી ચાલ્યું હતું.