ખાન યુનિસ વિસ્તારમાં વિસ્થાપિત પેલેસ્ટીની નાગરિકો આશ્રય લઈ રહ્યા હતા એ બિલ્ડીંગ ઉપર ભયાનક બોમ્બવર્ષા કરીને ઇઝરાયેલ દ્વારા વધુ એક નરસંહાર
(એજન્સી) બૈરૂત, તા.૨૯
યુદ્ધથી તારાજ થઈ ચૂકેલા ઉત્તરગાઝા વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા એક રહેણાંક બિલ્ડીંગ પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવતા મહિલાઓ અને બાળકો સહિત ૩૭ પેલેસ્ટીની નાગરિકોનાં કરૂણ મૃત્યુ થયાનું યુનોની રાહત એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ખાન યુનિસ વિસ્તારમાં વિસ્થાપિત નાગરિકો જ્યાં આશરો લઈ રહ્યા હતા એ રહેણાંક બિલ્ડીંગ પર ઇઝરાયેલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવતા મોટાભાગે મહિલાઓ અને બાળકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુ નાગરિકો ઘાયલ થયા હતા. બીજો હવાઈ હુમલો બૈત લાહિયા વિસ્તારમાં થયો હતો જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું જાહેર થયું છે. યુનોની કોઈપણ માનવ અધિકાર સંસ્થા ગાઝા વિસ્તારમાં કામ કરી ન શકે એવો ઠરાવો ઇઝરાયેલની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો તેના બીજા દિવસે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી હૃદયદ્રાવક દૃશ્ય એ હતું કે એક મહિલા અને તેના પાંચ સંતાનો એક સાથે હવાઈ હુમલામાં કરૂણ રીતે શહીદ થઈ ગયા હતા. બીજી એક મહિલા અને તેના છ સંતાનો હુમલામાં શહીદ થયા હતા. ઉત્તર ગાઝા વિસ્તારમાં એકમાત્ર બચેલી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દરેકને સારવાર આપવાનું પણ શક્ય બન્યું નથી. ગઈકાલે એક એવી ઘટના પણ બની હતી જેનાથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઇઝરાયેલના લશ્કરના દરોડા દરમિયાન એક આઠ વર્ષના બાળકે કેમ્પમાંથી જવાનો ઇન્કાર કરતા સૈનિકોએ તેને ઠાર માર્યો હતો તેવું જાહેર થયું હતું. પછી ઇઝરાયેલના લશ્કરે હોસ્પિટલમાંથી સેંકડો નાગરિકોની ધરપકડ કરી લીધી હતી જેમાં તબીબી સેવકો, દર્દીઓ અને આશ્રય રહેલા અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ૧૯ દિવસમાં જ ઇઝરાયેલના લશ્કરે અલગ અલગ આશ્રયસ્થાનો પર હુમલા કરીને ૭૭૦ જેટલા નિર્દોષ નાગરિકોને શહીદ કરી નાખ્યા છે તેમ પેલેસ્ટીનના અધિકારીઓએ જણાવ્યું હતું. આ નરસંહાર અવિરત ચાલી રહ્યો છે. ઇઝરાયેલના લશ્કરે લોકોને સ્થળ છોડી દેવાની અને ન છોડે તો એમને ભૂખે મરવા દેવાની વ્યૂહરચના અપનાવી છે એટલે તમામ સહાય કાપી નાખવામાં આવે છે અને મદદનો પુરવઠો પહોંચવા દેવાતો નથી જેથી કરીને લોકો ભૂખે મરવા લાગે અને ઉત્તર ગાઝા છોડીને ચાલ્યા જાય. ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધીમાં ગાઝા વિસ્તારમાં ૪૩,૦૦૦ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી છે જેમાં ૧૭ હજાર બાળકો છે અને ૧૧,૪૦૦થી વધુ મહિલાઓ છે. ૧૭૪ પત્રકારો અને ૧૦૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ પણ શહીદ થયા છે.