(એજન્સી) તા.૧
રવિવારે ઇઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, જૂનની શરૂઆતથી ગાઝા પટ્ટીમાં ૨૦ ઇઝરાયેલી સૈનિકો મૃત્યુ પામ્યા, જે ૨૦૨૫ની શરૂઆતથી ઇઝરાયેલ માટે સૌથી ઘાતક મહિનો બની ગયો છે. ઈરાન સાથેના ઈઝરાયેલના યુદ્ધને કારણે ગાઝા ગૌણ મોરચો બની ગયો હોવા છતાં, જૂન મહિનામાં ઈઝરાયેલી સૈન્યની જાનહાનિની સૌથી વધુ સંખ્યા જાન્યુઆરી પછી જોવા મળી હતી. ૧૩મી જૂને ઈઝરાયેલે અમેરિકાના સમર્થનથી ઈરાન વિરૂદ્ધ ૧૨ દિવસનું આક્રમણ શરૂ કર્યું હતું. આ અભિયાનમાં લશ્કરી થાણાઓ, પરમાણુ સુવિધાઓ, નાગરિક માળખાગત સુવિધાઓને લક્ષ્યાંકિત કરવામાં આવી હતી અને પરિણામે વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરવામાં આવી હતી. હુમલામાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા. જવાબી કાર્યવાહીમાં, ઈરાને બેલેસ્ટિક મિસાઈલો છોડ્યા અને ઈઝરાયેલી સૈન્ય અને ગુપ્તચર લક્ષ્યો પર ડ્રોન હુમલા કર્યા. આમાંના ઘણા હુમલાઓ ઇઝરાયેલની સંરક્ષણ સિસ્ટમમાં ઘૂસી ગયા, જેના કારણે અભૂતપૂર્વ વિનાશ, વ્યાપક ગભરાટ, ડઝનેક મૃત્યુ અને હજારો ઇજાઓ થઈ. અખબારે અહેવાલ આપ્યો છે કે ૨૪ જૂનના રોજ દક્ષિણ ગાઝાના ખાન યુનુસ શહેરમાં લડાઈમાં ૨૦માંથી ૧૫ સૈનિકો મૃત્યુ પામ્યા. અહેવાલ મુજબ, સૌથી તાજેતરનું મૃત્યુ ૬૦૧મી કોમ્બેટ એન્જિનિયરિંગ બટાલિયનના એક સૈનિકનું હતું, જે રવિવારે ઉત્તરી ગાઝામાં લડાઈ દરમિયાન મૃત્યુ પામ્યા છે.