(એજન્સી) ગાઝા, તા.૨૩
એક તરફથી ભૂખમરો અને બીજી તરફથી ઇઝરાયેલી સૈન્યના અત્યંત ભયાનક અમાનવીય હુમલાઓનો ભોગ બની રહેલા નાગરિકો અનાજ લેવા જવાની કતારમાં મોતનો સામનો કરી રહ્યા છે. ગાઝા પટ્ટી વિસ્તારમાં નવેસરથી ઇઝરાયેલના ભયાનક હુમલામાં ૨૧ નાગરિકોના મોત થયા હતા. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તારના નાગરિકો માટે ભૂખમરાની પરિસ્થિતિ વધુને વધુ કપરી અને ભયંકર બની રહી છે. ગાઝાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, ઇઝરાયેલ દ્વારા મુકાયેલા પ્રતિબંધ અને નાકાબંધીને કારણે સહાય કેન્દ્રો પર લૂંટફાટ અને હિંસાના તથા કાયદાવિહીન રીતે ફૂડ કેન્દ્રો પર અરાજક પરિસ્થિતિના દૃશ્યો જોવા મળી રહ્યા છે અને ફૂડ કેન્દ્રો પર એટલે કે અનાજ અને ભોજન લેવા માટે શરૂ કરાયેલા કેન્દ્રો પર જતા પેલેસ્ટાઇનના નિર્દોષો પર ઇઝરાયેલી સૈન્યના ગોળીબાર અને હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે.બુધવારે ૧૦૦થી વધુ માનવ અધિકાર સંગઠનો અને સખાવત સંસ્થાઓએ એક પત્ર લખીને ગાઝા માટે તાત્કાલિક વધુને વધુ સહાય મોકલવાની માગણી કરી હતી અને ભૂખમરાની અત્યંત ભયાનક સ્થિતિ ઊભી થઈ હોવાની ચેતવણી આપી હતી. તમામ સહાય કેન્દ્રો એક અમેરિકી કોન્ટ્રાક્ટર દ્વારા અને યુનોની માનવ અધિકાર કચેરી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ એ મોતના કેન્દ્રો બન્યા છે.મંગળવારે રાત્રે પણ ગાઝા શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઇઝરાયેલી હવાઈ આક્રમણ ચાલુ રહ્યું હતું જેમાં એક બિલ્ડિંગ પર બોમ્બ મારો થતાં ૧૨ લોકો મૃત્યુ પામ્યા હતા. બે મહિલા અને છ બાળકો મરનારમાં સામેલ હોવાનું ગાઝા આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. અન્ય એક સ્થળે ઉત્તરગાઝામાં હવાઈ હુમલાથી અનેક લોકોના મોત થયા હતા અને આઠથી વધુ ઘાયલ થયા હતા. એક સગર્ભા મહિલા સહિત બે મહિલા અને ત્રણ બાળકોના મોત થયા હતા. ત્રીજો એક હુમલો નાસર વિસ્તારમાં થયો હતો જેમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા.