જેરૂસલેમમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલીવાને કહ્યું હતું કે લેબેનોનમાં યુદ્ધવિરામ થયા પછી હવે ગાઝામાં પણ યુદ્ધનો અંત લાવવાની શક્યતા ઊભી થઈ છે અને માર્ગ મોકળો થયો છે એમના આ નિવેદનના થોડા કલાકોમાં જ ઇઝરાયેલ દ્વારા ભયાનક બોમ્બમારો કરવામાં આવ્યો અને નુસરત રેફ્યુજી કેમ્પને બોમ્બમારાથી ફૂંકી મારવામાં આવતા થઈ મોટી જાનહાનિ
(એજન્સી) તા.૧૩
મધ્ય ગાઝા પર ઇઝરાયેલના ગઈકાલ રાતના ભયાનક હુમલા અને નુસરત રેફ્યુજી કેમ્પને તબાહ કરી દેતા બોમ્બમારાને પરિણામે માસુમ બાળકો સહિત ૫૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ થયા હોવાનું જાહેર થયું છે. મરનારમાં માત્ર બે વર્ષની બાળકી સાબરીનનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ ગાઝા વિસ્તારમાં ઇઝરાયેલના પ્રચંડ હવાઈ આક્રમણને કારણે એક બહુમાળી બિલ્ડીંગ પડીને ફાયર થઈ ગઈ હતી જેમાં ૨૫ લોકોના કાટમાળ હેઠળ દબાઈ જતાં મોત થયા હતા અને અન્ય ડઝનબંધ ઘાયલ થયા હતા તેમ પેલેસ્ટીની તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું. પછી બીજા સ્થળે થયેલા રેફ્યુજી કેમ્પ ઉપરના હુમલામાં પણ ૨૮ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાને જેરૂસલેમ ખાતેની મુલાકાત દરમિયાન એવું કહ્યું હતું કે લેબેનોનમાં થયેલા યુદ્ધવિરામથી ગાઝામાં પણ યુદ્ધવિરામ થવાની આશા અને માર્ગ મોકળો થતો દેખાય છે. અમેરિકા અધિકારીના આ નિવેદનની થોડી કલાકો પછી જ બે સ્થળે ઇઝરાયેલ દ્વારા ભયાનક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં એક રેફ્યુજી કેમ્પને પણ નિશાન બનાવીને તેનો નાશ કરી નાખવામાં આવ્યો હતો. રેફ્યુજી કેમ્પ ઉપરના હુમલા અંગે ઇઝરાયેલના આદમીએ પણ કોઈ નિવેદન કર્યું નહોતું અને માત્ર એટલું કહ્યું હતું કે અમે લડાકુ સંગઠન હમાસનો ખાત્મો કરવા માટે હુમલા કરી રહ્યા છીએ અને હમાસના લડાકુઓ નાગરિકોની વચ્ચે છુપાઈ જાય છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા અને જમીનની આક્રમણ સાથેનું ભયાનક અને સૌથી યુદ્ધ શરૂ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૪૪૮૦૦ નાગરિકો માર્યા ગયા છે જેમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.