ગાઝા પર ઈઝરાયેલનું આક્રમણ : અલ-શિફા હોસ્પિટલમાં નવી સામૂહિક કબરમાં ઓછામાં ઓછા ૪૯ મૃતદેહો મળી આવ્યા

(એજન્સી) ગાઝા, તા.૯
ગાઝાની અલ-શિફા હોસ્પિટલ જે પેલેસ્ટીની પ્રદેશમાં સૌથી મોટું તબીબી સંકુલ છે, તેના ખંડેરોમાં ત્રીજી સામૂહિક કબર મળી આવી છે. ગાઝામાં સરકારી મીડિયા ઓફિસે બુધવારના દિવસે જણાવ્યું હતું કે, સામૂહિક કબરમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૪૯ મૃતદેહો મળી આવ્યા છે. તે જણાવ્યું હતું કે, સરકારી ક્રૂ હજુ સુધી હજુ પણ વધુ મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરી રહ્યા છે. મૃતદેહો કાઢવાની કામગીરી પૂર્ણ થઈ નથી. સ્થાનિક પત્રકારો દ્વારા ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલી હુમલાઓ દ્વારા તબાહ થઈ ગયેલી તબીબી સુવિધાના ખંડેરો વચ્ચે સિવિલ ડિફેન્સ ટીમો દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને તેની તપાસ કરવામાં આવી. ઇઝરાયેલી દળોએ એપ્રિલની શરૂઆતમાં અલ-શિફાથી પીછેહઠ કરી હતી, બે અઠવાડિયાની ઘેરાબંધી પછી સમગ્ર સંકુલનો નાશ થયો હતો અને તેના પગલે મૃતદેહોના ઢગલા થઈ ગયા હતા. ઇઝરાયેલી અધિકારીઓએ તે સમયે કહ્યું હતું કે, તેમના દળોએ નાગરિકો અથવા તબીબી કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યા વગર ૯૦૦ લોકોની ધરપકડ કરી હતી અને ૨૦૦ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. તબીબી સંસ્થાઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ દાવાને ભારપૂર્વક નકારી કાઢ્યો હતો. ગાઝાની સરકારી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે, અલ-શિફામાં ઇઝરાયેલી દળો દ્વારા ૪૦૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ઘાયલ, બીમાર અને વિસ્થાપિત લોકોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હજારો લોકો હજુ પણ ગુમ છે. આરોગ્ય મંત્રાલયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડિરેક્ટર મોતાસેમ સલાહે બુધવારના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, આમાંથી કેટલાક મૃતદેહો ટુકડાઓમાં મળી આવ્યા હતા, આમાંથી કેટલાક મૃતદેહો માથા વગરના મળી આવ્યા હતા. તેમણે કહ્યું, દુઃખની વાત છે કે અમને આ મૃતદેહો શોધવામાં અઠવાડિયા લાગ્યાં. યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં સાત સામૂહિક કબરો મળી આવી છેઃ ત્રણ અલ-શિફામાં ત્રણ દક્ષિણ ગાઝાની નાસેર હોસ્પિટલમાં અને એક ઉત્તરમાં કમલ અડવાન હોસ્પિટલમાં. પેલેસ્ટીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કબરોમાં કુલ ૫૨૦ મૃતદેહો મળી આવ્યા છે. મીડિયા ઑફિસે બુધવારના રોજ જણાવ્યું હતું કે, આ સામૂહિક કબરો અને માનવતા સામેના આ ઘૃણાસ્પદ આક્રમણ માટે અમે અમેરિકન વહીવટીતંત્ર, આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઇઝરાયેલના કબજાને સંપૂર્ણપણે જવાબદાર માનીએ છીએ. યુરોપિયન યુનિયને નાસેર અને અલ-શિફા હોસ્પિટલોમાં સામૂહિક કબરોની સ્વતંત્ર તપાસની હાકલ કરી છે. ઈેંના પ્રવક્તા પીટર સ્ટેનોએ જણાવ્યું હતું કે, આ એવી વસ્તુ છે જે અમને તમામ શંકાઓ અને તમામ સંજોગોની સ્વતંત્ર તપાસ કરવા માટે દબાણ કરે છે, કારણ કે ખરેખર તે એવી છાપ ઊભી કરે છે કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts