ગાઝામાં આ બોમ્બ ધડાકામાં ૧૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા હતા
(એજન્સી) તા.૧૩
૮૦ વર્ષીય ઝૈનબ અલ-જાબરી, એક વિસ્થાપિત પેલેસ્ટીન છે અને તે મહિલાઓના રૂમમાં ઊંઘી રહી હતી અને તેણીએ ત્રણ વિસ્ફોટના અવાજ સાંભળ્યા હતા. તે ગભરાટ અને અરાજકતાના આ દૃશ્યથી જાગી ગઈ, અને અહીંના લોકો ઇઝરાયેલી હવાઈ હુમલાનું લક્ષ્ય બન્યા હતા અને તેઓ શાળાના પ્રાર્થના હોલમાં આવી ગયા હતા.
તેણી તેના બે પુત્રો અને તેમના બાળકો માટે ચિંતિત થઈ ગઈ, જેઓ નમાઝ પઢવા ગયા હતા. તેણીએ યાદ કરતાં કહ્યું કે, જ્યારે મેં શરીરના સળગેલા ટુકડા જોયા, ત્યારે મને સમજાયું કે કોઈ બચ્યું નથી. શનિવારે ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા ૧૦૦થી વધુ પેલેસ્ટીનીઓમાં અલ-જાબરીના પુત્રો અને પૌત્રોનો સમાવેશ થાય છે. આ હુમલામાં ગાઝા સિટીમાં અલ-તાબીન શાળાના પ્રાર્થના હોલને નિશાન બનાવવામાં આવ્યું હતું. લોકો સવારના ૪.૩૦ વાગ્યાની આસપાસ પરોઢ અથવા ફજરની નમાઝ માટે આવ્યા હતા. ઇઝરાયેલના ૧૦-મહિનાના અવિરત બોમ્બ ધડાકામાં તેમના ઘરોના વિનાશને કારણે આ શાળા અન્યત્રથી વિસ્થાપિત લોકો માટે આશ્રયસ્થાન છે. શનિવારના હુમલાના બે અઠવાડિયા પહેલા અલ-જાબરી તેના પરિવાર સાથે આ શાળામાં આવી હતી, તેમનું ઘર ઇઝરાયેલી હુમલામાં નાશ પામ્યું હતું જેમાં તેના સાત પૌત્રો માર્યા ગયા હતા. તે વૃદ્ધ અને બીમાર છે. તેણીએ કહ્યું કે, મારા બાળકો મારા જીવનનો પ્રકાશ હતા, પરંતુ તેઓએ તેમને મારી પાસેથી છીનવી લીધા. શાળામાં યુવાન, શાંતિપૂર્ણ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધ પુરુષો હતા. અમે બધા શાંતિપ્રિય લોકો છીએ. હું અલ્લાહ પાસે બદલો માંગું છું.
ઇઝરાયેલી સૈન્યએ આ હુમલાની જવાબદારી લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે આ પ્રાર્થના હોલમાં “લશ્કરી સુવિધા” હતી અને માર્યા ગયેલા ૩૧ લોકો “લડવૈયાઓ” હતા. યુરો-મેડ હ્યુમન રાઇટ્સ મોનિટર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સૈન્ય દ્વારા આપવામાં આવેલા નામોની યાદી જાણવા મળી છે કે હુમલામાં માર્યા ગયેલા લોકો લડવૈયાઓ નથી. આ મૃતકોમાં મોટાભાગના બાળકો અને વૃદ્ધો હતા.
ઈઝરાયેલની યાદીમાં ત્રણ વૃદ્ધ લોકોના નામ પણ સામેલ હતા જેમનું કોઈ લશ્કરી જોડાણ ન હતું, જેમાં શાળાના આચાર્ય, બીટ હનુનના ડેપ્યુટી મેયર અને યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ હમાસના કેટલાક વિરોધીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે અગાઉ હવાઈ હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટીનીઓની ઓળખ વિશે પણ અવાજ સમાન ખોટા નિવેદનો આપ્યા હતા. હમાસ ઇઝરાયેલના એવા આરોપોને નકારી કાઢે છે, અને કહે છે કે તેના લડવૈયાઓ ક્યારેય શાળાઓ અને હોસ્પિટલો જેવી નાગરિક સુવિધાઓમાંથી કામ કરતા નથી. નાગરિક સંરક્ષણ કાર્યકરે જણાવ્યું હતું કે મોટા ભાગના માર્યા ગયેલા લોકો બાળકો અને વૃદ્ધ લોકો હતા, અને હવાઈ હુમલાની તીવ્રતાને કારણે તેઓના ટુકડા થઈ ગયા હતા અને શરીરના ભાગો બળી ગયા હતા. મસ્જિદમાં પ્રાર્થના કરી રહેલા તમામ લોકો માર્યા ગયા હતા, અને અન્ય ઘણા લોકો જે ઉપરના માળે સૂતા હતા. અમે ઘાયલોને સ્થળ પરથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને મોટા ભાગના મૃતદેહો ઓળખી શકાયા ન હતા.
શનિવારના હુમલા પછી સમગ્ર વિશ્વમાં ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ હતી. શાળાના મોટાભાગના લોકો આ નાના હોલમાં નમાઝ પઢી રહ્યા હતા, અને અલ્લાહને તેમની સુરક્ષા કરવા અને આ નરસંહારને સમાપ્ત કરવા માટે દુઆ કરતાં હતા. તેઓએ કહ્યું કે, અમે આતંકવાદી નથી. અમે બધા અહીં શાંતિપૂર્ણ વિસ્થાપિત નાગરિક છીએ, અમને રાજકારણમાં કોઈ રસ નથી કે અમે કોઈના માટે ખતરો નથી.