(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા. ર
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન ભંડેરીઓ તાલુકા પંચાયતના પ્રમુખપદનો દુરૂપયોગ કરી વાલરામજી સંસ્થા દૂધાળાના નામે સિંચાઈના કામ રાખી પોતે તાલુકા પંચાયતના પદાધિકારી હોવા છતાં વાલરામજી સંસ્થાના પ્રમુખ તરીકે વર્કઓર્ડર, બિલ અને ચેકમાં સહીઓ કરી નાણાં ઉપાડી પંચાયતધારાનો ભંગ કરેલ. વર્ષ-ર૦૦પની ગેરરીતિ અંગે ર૦૦૮માં સમગ્ર ઘટનાની તપાસ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા માંગતા ખળભળાટ મચી ગયો હતો. તત્કાલીન ડી.ડી.ઓ.એ કારણદર્શન નોટિસ પણ ફટકારેલ. પરંતુ રાજકીય દબાણ નીચે તે નોટિસ ફાઈલ કરવામાં આવેલ. જેની સામે તકેદારી આયોગ તેમજ વિકાસ કમિશરમાં અપીલ થતાં વર્ષ-ર૦૧૧માં વિકાસ કમિશનર તેમજ તકેદારી આયોગે કથિત કૌભાંડમાં પગલાં ભરવા તેમજ પોલીસ કેસ કરવા આદેશ આપ્યા હતા. પરંતુ આ ઉચ્ચ અધિકારીના આદેશો જિલ્લા પંચાયતના ત્રણ ડીડીઓ બદલાય ત્યાં સુધી ફાઈલોમાં ધૂળ ખાતા રહ્યાં
તાજેતરમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરતાં વર્ષોથી ભ્રષ્ટાચારની ફાઈલ અભરાઈએ ચડી ધૂળ ખાતી હતી અને ભ્રષ્ટાચારીઓને સમર્થન આપતી હતી. તે ઘટનાની ફાઈલની ધૂળ ખંખેરીને સાત કામના ચૂકવાયેલ રૂપિયા ર,૮૭,ર૦૮/- રિકવરી રેવન્યુ રાહે કરવા આદેશ કરેલ, તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ સંલગ્ન પત્રો લખી તેમના વિરૂદ્ધ એફ.આઈ.આર. નોંધી તેની નકલ વિજીલન્સ કમિશનર અને વિકાસ કમિશનરને મોકલવાની થતી હોય જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવા આદેશ કરેલ છે.