(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૪
ભવનાથ ખાતે ગઈકાલે શિવરાત્રીના દિવસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી રચવાની જાહેરાત કરી છે જેને સૌએ વધાવી લીધી છે પરંતુ આ બાબતે બહુ હરખવા જેવું નથી કારણ કે આ પ્રથમ વખતની જાહેરાત નથી. આવી તો અગાઉ ત્રણ વખત જાહેરાત થઈ ચૂકી છે અને આ ચોથી વખતની જાહેરાત છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ જાહેરાત મુજબની ઓથોરિટી કાર્યાન્વિત ક્યારે થાય છે ? રાજકારણમાં સફળ થવા માટેનો વણ લખ્યો નિયમ છે કે વચન આપવામાં ક્યારેય લોભ અને સંકોચ ન કરવો. બસ, આવું જ ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના બાબતે થઈ રહ્યું છે. ઓથોરિટીની રચના કરવી હોય તો આગામી ગુજરાતના રજૂ થનાર બજેટમાં ખાસ નાણાકીય જોગવાઈ કરવી જરૂરી છે.
અગાઉ કોંગ્રેસની સરકાર શંકરસિંહ વાઘેલાની સરકાર બની હતી ત્યારે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરાઈ હતી અને સભ્યોની પણ નિમણૂક કરી દેવાઈ હતી. જો કે બાદમાં બાપુની સરકાર જ કડકભૂસ થઈ જતા ઓથોરિટી આપોઆપ રદ થઈ હતી. બાદમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લાની વિભાજન રચના સમયે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનાની જાહેરાત કરાઈ હતી. પરંતુ બાદમાં કોઈ કારણોસર કાર્યાન્વિત નહોતી થઈ શકી. હવે વિજય રૂપાણીનો વારો. તેમણે ગઈકાલે ભવનાથમાં ફરી જાહેરાત કરી છે ત્યારે હવે જાવું એ રહ્યું કે અગાઉના મુખ્યમંત્રીઓની જેમ માત્ર જાહેરાત જ રહી જાય છે કે વિજય રૂપાણી તેને કાર્યાન્વિત કરી શકે છે ? જો કે આ વખતે તો સંતોને પણ સમાવેશ કરવાની વાત છે. એટલે સંતો પણ સરકારને યાદ દેવડાવ્યા કરશે. એટલે થોડી આશા બંધાણી છે છતાં બધો મદાર મુખ્યમંત્રીની ઈચ્છા શક્તિ ઉપર નિર્ભર છે. આશા રાખીએ કે ચોથી ટ્રાયે પાસ થઈ જઈએ અને ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી કાર્યાન્વિત થાય અને વિકાસના દ્વાર ખુલે તે માટે જૂનાગઢના મહાજનોએ, સામાજિક સંસ્થાઓએ વિચારવાનું જ બંધ કરી દીધું હોય તેમ જણાય છે.