ગીતાંજલી જ્વેલર્સને લોન આપવા મંે સ્પષ્ટ ના પાડી હતી, મારી પર ખૂબ દબાણ હતું

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા. ૨ર
નીરવ મોદી અને ગીતાંજલી જ્વેલર્સ દ્વારા અબજો રૂપિયાનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે ત્યારે આજરોજ અલ્હાબાદ બેન્કના પૂર્વ ડાયરેકટર દિનેશ દુબેએ આજે જણાવ્યું હતું કે મે ગીતાંજલી જ્વેલર્સને લોન આપવાની સ્પષ્ટ ના પાડી હોવા છતાં મારી ઉપર છેક ઉપરથી ભારે દબાણ હતું. હું તેમના દબાણને વશ ન થયો અને રાજીનામું ધરી દીધું હતું.
અલ્હાબાદ બેંકના પૂર્વ ડાયરેકટર દિનેશ દુબેએ આજે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે, કૌભાંડ છતુ થયું છે. મારી પાસે તમામ પુરાવા છે. જે મેં દેશની જનતા સમક્ષ મુકયા છે. હવે સરકારે તેમનું કામ કરવાનું છે. હું કોઇનાથી ડરતો નથી. પરંતુ મને હજી સુધી સુરક્ષા આપવામાં આવી નથી.
ભારે વેદના સાથે દિનેશ દુબેએ ઉપરોકત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમના અવાજમાં દેશભક્તિનો રણકો હતો. બદમાશ વેપારીઓને કરોડોની લોન તાસકમાં ધરી દેનાર તેમની જ અલ્હાબાદ બેંકના સત્તાધીશો સામે મેદાને પડી જરાય ખચકાયા વગર પોતે વિરોધ નોંધાવ્યો છે માત્ર અલ્હાબાદ બેંકના અન્ય ડાયરેકટરો કે ચેરમેન સહિત નાણાં મંત્રાલયમાં ફરજ બજાવતા સેક્રેટરીઓના દબાણને વશ થયા વગર આ મરદ ડાયરેકટરે એક ઝાટકે બેંક સાથે છેડો ફાડી નાખ્યો હતો. અત્યારે એમના જીવ ઉપર પુરૂ જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે તેમની સુરક્ષાને લઇને પુછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતા તેમણે કહ્યું કે, હું કોઇનાથી ડરતો નથી. મારવા વાળા કરતા જીવાડવા વાળો ઇશ્વર મોટો છે. પરંતુ સવાલ એ છે કે, સરકારે મને હજી સુધી સુરક્ષા આપી નથી. સત્ય સામે મારી લડાઇ છે જે હું જારી રાખીશ. એમાં વિચલિત નહીં થાવું. સુરક્ષા મળે કે ન મળે મેં સરકાર સમક્ષ માંગણી કરી નથી અને કરવાનો પણ નથી.
નીરવ મોદી અને ગીતાંજલી જવેલર્સનું કૌભાંડ કેટલા કરોડનું હશે તેવા પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતા તેમણે કહ્યું કે, સાચો આંકડો તપાસમાં જ બહાર આવી શકે. તપાસ એજન્સીઓ કેટલો સમય તપાસમાં વિતાવે છે તેના ઉપર આધાર છે એ લોકો (કૌભાંડીઓ) એ કોઇ બેંકને છોડી નથી. કૌભાંડની સાચી રકમ અત્યારે કોઇ જણાવી શકે નહીં. આ કૌભાંડના રૂપિયા રીકવર કરવા મુશ્કેલ છે. તેના માટે અનેક વર્ષો તેમજ કોર્ટો પાછળ ખર્ચો કરવો પડે તેમ છે. તેઓ અલ્હાબાદ બેંકમાં ડાયરેકટર હતા તે વખતે દિલ્હી ખાતે બેંકના અધિકારીઓની મળેલ મિટીંગમાં લોન અંગે ચર્ચા થઇ હતી. જેમાં તેમણે આનો વિરોધ કર્યો હતો. બેંકમાં ચાલી રહેલાં આ કૌભાંડ અંગે નાણાં મંત્રાલય તેમજ આરબીઆઇના અધિકારીને પત્ર લખ્યો હતો. પરંતુ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts