
ઉના, તા.૨૦
ગીરગઢડા નજીક આવેલ ગીરજંગલ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે મચ્છુન્દ્રી નદીમાં ફરી ધોડાપુર આવ્યુ હતું. પાણીના ભારે પ્રવાહને કારણે કોદિયા ગામની નજીક જંગલમાં આવેલ ઘોડાવાડી ગામ, માંડવી નેસ, કાણેક નેશ તેમજ જંગવડ જેવા ચારથી પાંચ નાના ગામોમાં આશરે ૩૦૦૦ જેટલા વસ્તા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નદીના પ્રવાહમાં ભારે પુર આવતા તેમજ બેઠા પુલમાં મોટું ગાબડું પડતા લોકોની અવર જવર બંધ થઈ ગયેલ અને આ નેસ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાત ચિજવસ્તુઓ લેવા જવા આવવામાં ભારે મુશ્કેલી પડી હતી. જંગલ વિસ્તારમાં રહેતા બધા લોકો દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા હોય જેથી દિવસ દરમિયાન સવાર અને સાંજના સમયે દૂધ આપવા માટે આ પુલ ઓળંગીને ગીરગઢડા તાલુકામાં જતા હોય છે. જેમાં પાણીનો પ્રવાહ પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હોય અને પુલ પર મોટું ગાબડું પડયું હોવાથી લોકોની મૂશ્કેલીમાં વધારો થયો હતો. આ બાબતે બેઠા પુલને ઉચો બનાવવા માંગ રજુઆતો કરવો છતાં આજ સુધી મોટો પુલ બનાવવામાં આવતો નથી. જેના કારણે નેસ વિસ્તારના લોકોને ભોગ બની રહ્યુ છે. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બપોરના સમયે અચાનક મચ્છુન્દ્રી નદીમાં પુર આવતા દેલવાડા બેઠા પુલ પરથી ટ્રક અને કાર પસાર થયેલ ત્યારે ટ્રક પાણીમાંથી પસાર થતા નદીના પાણીનો પ્રવાહ કાર ને લાગતા કાર નદીમાં ખાબકી જતા તણાઇ ગઇ હતી. અને કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મચ્છુન્દ્રી નદીમાં ભારે પુર આવતા પાણીમાંથી બે ગાય પસાર થતી હતી. ત્યારે એક ગાય પાણીના પ્રવાહ સાથે તણાઇ ગયેલ જ્યારે બીજી ગાય ત્યાં જ ઊભી રહી જતાં તેનો બચાવ થયો હતો.