ઉના, તા.૧
આઝાદી પછી અંગ્રેજોનો બનાવેલ અધિનિયમ ૧૯૨૭ અમલમાં છે તેના કારણે જંગલમાં વસતા હજારો ખેડૂતો, માલધારીઓ અને મજૂરો દેશી રજવાડાથી રહે છે. આઝાદી પહેલાં ગીર જંગલમાં વસતા માલધારીઓ અને ખેડૂતો માટે નવાબ શાસનમાં લાગો (ભાગ) આપી જમીનો હરાજીથી આપેલ હોય આ જમીનો ગુજરાત સરકાર દ્વારા ૧૯૬૧ના જાહેરનામાના આધારે ફોરેસ્ટ સેટલમેન્ટ હેઠળ આવતા અને ૧૯૬૩ રિપોર્ટ આધારે દરેક ખેડૂતોને રેવન્યુ હક્ક કાયમ કરવા સામે વનવિભાગના જે તે વખતના અધિકારીઓ અખંડ અધિનિયમ ૧૯૨૭ની આડલઈ ફોરેસ્ટ સેટલમેન્ટ રિપોર્ટને રદ્દ કરેલ ત્યાર પછી વિવિધ તાલુકાઓમાં વનસંરક્ષણ હેઠળ અને મહેસૂલી કાયદા હેઠળ ખેતીવાડી, ગામતળ અને ડેમ અનામત જંગલ વગેરે માટે જમીનો મહેસૂલ વિભાગે ફાળવેલ હતી. જ્યારે નવાબી શાસનમાં ખેડૂતોને જુદી-જુદી શરતો હેઠળ જમીનો આપવામાં આવેલ તેવું જંગલ વિભાગે સ્વીકારી સેટલમેન્ટના આધારે આ જમીન આજ સુધી ખેડૂતો અને માલધારીઓ પાસે ચાલુ રાખી હતી અને ખેડૂતો, માલધારીઓ ત્યાં વસી દૂધ, ધી, ખાતર વગેરે પેદાશો ઉત્પાદન કરતા હોય અને તેના પાસે મૂળિયા વેરો પણ વસૂલાતો હોય. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલુકા જિલ્લા પંચાયત તેમજ નોડલ એજન્સી મારફત બેંક લોન પાક વિમો જેવી સવલતો રેવન્યુ ખેડૂતોને મળે છે. પરંતુ જંગલમાં વસતા ખેડૂતો અને માલધારી મજૂરોને આવા લાભોથી વંચિત રાખવામાં આવે છે જેના કારણે નાગરીક હક્કનો ભંગ થાય અને વિકાસ રૂધાંય રહ્યો છે. આ ઉપરાંત ખાતેદાર ખેડૂતો અને પાસ ધારક માલધારીઓને વારસાઈના આધારે ખાતા તેમજ પાસ જુદા કરી આપવામાં આવતા ન હોય કે રેવન્યુ વારસાઈમાં ફેરફાર માટે ત્રણ માસની મુદ્દત હોવા છતાં આવા કામો વનવિભાગ દ્વારા કરી આપવામાં ન હોવાથી ખેડૂતો અને માલધારીઓમાં રોષ ફેલાયેલો છે.
૭૨ વર્ષમાં અનેક આંદોલન અને રજૂઆત બાદ ગુજરાત સરકારે પૂર્વ શાંસદ સ્વ.ગોવિંદભાઈ સેખડાની આગેવાની હેઠળ રચાયેલ સમિતિની ભલામણના કારણે કેન્દ્ર સરકારે ૨૦૦૮માં જંગલ વિસ્તારના તમામ ગામોને રેવન્યુ હક્ક આપવા મંજૂરી આદેશ થયેલા આ આદેશ મુજબ ગીરગઢડા તાલુકાના જંગલ વિસ્તારના ૧૪ ગામોને રેવન્યુ હક્ક આપવા મંજૂરી મળેલ પરંતુ જંગલ ખાતા મારફત માત્ર ૧૧ ગામોને મંજૂરી આપી અને ત્રણ ગામો જેમાં ધોડાવડી, ટીંબરવા અને જાંબુથાળા નેસને મંજૂરી આપેલ નથી. ૧૨ વર્ષ બાદ પણ આ નેસોમાં વસતા ગામ લોકોને રેવન્યુ હક્ક આપવા વનવિભાગ ઠાગાઠૈયા કરતું હોય જેના કારણે ૧૪ ગામોના નેસમાં વસતા માલધારીઓ મજૂરો અને ખેડૂતોમાં રોષ ફેલાયેલ હોય અને આગામી એક માસમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરી આંદોલન શરૂ કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.