ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખતાં ઉત્તેજના

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
રાજયસભાની ખાલી પડી રહેલી બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તે અંતર્ગત આજે ઉમેદવારી નોંધવવાના અંતિમ દિવસે તે માટેનો ધસારો રહેવા પામ્યો હતો. ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી માટે આજે આઠ જણાએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો તથા ભાજપના સત્તાવાર બે ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ પાછળથી વધુ એક ઉમેદવાર પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ પણ ઉમેદવારી નોંધાવતા ફરી એકવાર રાજયસભાની ચૂંટણીને લઈ ઉત્તેજના સર્જાવા પામી છે. એટલે કે ભાજપે આ વખતે પણ કોંગ્રેસમાં બળવાના વિશ્વાસ સાથે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે અને આ વાતને નાયબ મુખ્યમંત્રીએ સમર્થન આપી રણાને જીતાડવાના પ્રયાસો કરવાનો ઈશારો પણ આપી દીધો હતો.
રાજયસભાની ખાલી પડી રહેલી દેશના ૧૬ રાજયોની પ૮ બેઠકો માટે ચૂંટણીપંચ દ્વારા ર૩મી માર્ચે ચૂંટણી યોજવાની તજવીજ હાથ ધરી છે અને તે અંતર્ગત આજે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ તમામ બેઠકો પર ધસારો કર્યો હતો. ગુજરાતના ચાર સાંસદો કેન્દ્રીય મંત્રીઓ, અરૂણ જેટલી, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઈ વેગડની મુદ્દત તા.રજી એપ્રિલે મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ તે માટેની ચૂંટણીની કાર્યવાહીમાં આ વખતે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટતા બે બેઠકો જ તેમને મળે તેમ હોઈ ભાજપ તરફથી કેન્દ્રિય મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે આ બંને ઉમેદવારોએ પોત-પોતાના ઉમેદવારી પત્રકો આજે વિધાનસભામાં ચૂંટણી અધિકારી નાયબ સચિવને સુપરત કર્યા હતા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ભારે સસ્પેન્સ બાદ સાંજે પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આદિવાસી નેતા નારણ રાઠવા તથા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા એડવોકેટ અમી યાજ્ઞિકને જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને પૈકી અમી યાજ્ઞિકે પોતાનું ઉમેદવારી પત્રક સમયસર ભરી દીધું હતું. પરંતુ નારણ રાઠવાએ સમયપૂર્ણ થવાના અડધા-પોણા કલાક પહેલા સુધી પણ ફોર્મ ભરવા માટે ન આવતા તરેહ તરેહની અટકળો શરૂ થઈ જવા પામી હતી. અંતે તેમણે અઢી વાગ્યાના સુમારે પોતાનું ફોર્મ ભર્યું હતું અને મોડુંથવાના કારણ માટે તેમણે પોતાના નોડ્યુ સર્ટિફિકેટ સહિતના કાગળો તૈયાર કરીને છોટાઉદેપુરથી લાવવામાં અને ફોર્મ એડવોકેટ પાસે ચેક કરાવવાના કારણે માડું થયું હોવાનું જણાવ્યું હતું. આ ચાર ઉમેદવારો સિવાય ભાજપમાંથી મનસુખ માંડવિયાના ડમી તરીકે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે ફોર્મ ભર્યું હતું. તે ઉપરાંત પરેશ મુલાણી (અપક્ષ) તથા પૂર્વ સનદી અધિકારી પી.કે. વાલેરાએ પણ ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવાર કોંગ્રેસ સમર્થિત હોવાની વિગતો સૂત્રો દ્વારા જાણવા મળે છે આ ઉપરાંત પ્રથમ તો ભાજપમાંથી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રાજ્યના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર તરીકે જ મેદાનમાં ઉતારાયાની સ્પષ્ટતા થતાં ભાજપના ત્રણ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. જેને કારણે રાજ્યસભાની ચૂંટણી માટે ફરીવાર ઉત્તેજના ઊભી થઈ જવા પામી છે આ અંગે ના.મુખ્યમંત્રી નીતિ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બે ઉમેદવારોને જીતાડવા અમારી પાસે પૂરતા મત છે, તે સિવાયના અમારી પાસે મત વધે છે. જો કોંગ્રેસમાં અગાઉની જેમ બળવો થાય તો અમે ત્રીજા ઉમેદવાર કિરીટસિંહને જીતાડી શકીએ તેમ છીએ માટે અમો આ મોક છોડવા માગતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks