અમદાવાદ,તા.૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યા બાદ નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કોંગ્રેસ પક્ષે હિન્દુત્વના મુદ્દે મોટી હરણફાળ ભરી છે. હવે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરના રામમંદિરોના જીર્ણોધ્ધાર કરવાનું આયોજન કરાયું છે, એટલું જ નહી, રાજયના તમામ ગામોમાં અને મોટાભાગના મંદિરોમાં શંખ, ડ્રમ, ઘંટ, આરતી-પૂજાપાના સામાન સાથેની સંપૂર્ણ કીટ વિતરણ કરવાનું પણ બહુ મોટાપાયે આયોજન હાથ ધર્યું છે. આ વખતની ચૂંટણીમાં રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાના કોંગ્રેસ તરફથી ઝુકાવને લઇ ભાજપને ગામડાઓમાંથી બહુ મોટો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રચાર-પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજયના જુદા જુદા ૨૮ જેટલા મંદિરોમાં માથું ટેકવી, પૂજા-આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. રાહુલ ગાંધીના ચૂંટણી ટાણે આ સોફટ હિન્દુત્વ કાર્ડ ખેલવાના વ્યૂહાત્મક અભિગમની દેશ અને દુનિયાભરના રાજકીય વિશ્લેષકોએ નોંધ લીધી હતી અને રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને સારી એવી બેઠકો હાંસલ થઇ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો કોંગ્રેસે ભાજપના મનસૂબાઓ પર બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. હવે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય અને યુવા નેતા પરેશ ધાનાણીની નિયુકિત બાદ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં તેની હિન્દુત્વની રણનીતિ વધુ અસરકારક રીતે આગળ ધપાવવાનું નક્કી કર્યું છે અને તેના ભાગરૂપે હવે રાજયના જુદા જુદા ગામો અને મંદિરોમાં કોંગ્રેસપક્ષ દ્વારા સંપૂર્ણ પૂજાપાની કીટ અર્પણ કરવામાં આવશે. આ કીટ માટે સોમનાથથી શંખ, જસદણથી ડ્રમ અને ભાવનગરથી પૂજાપાનો સામાન પણ મંગાવી લેવાયો છે. એટલું જ નહી, કોંગ્રેસ દ્વારા તેના કાર્યકરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોંગ્રેસના કાર્યકરોએ ગામોના મંદિરોમાં નિયમિત મુલાકાત લેવી અને એવા મંદિરો કે જયાં ભકતોની સંખ્યા ઓછી હોય તેવા મંદિરોમાં સવાર-સાંજ થતી આરતીમાં ભાગ લઇ પૂજા-આરતી કરવી. કોંગ્રેસ પક્ષ દ્વારા તેની વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૪૮ જેટલા ગામડાઓમાં રામમંદિરોના જીર્ણોધ્ધાર કરવાનું પણ આયોજન હાથ ધરાયું છે. રામમંદિરોના કાયાકલ્પ અને જીર્ણોધ્ધાર માટે કોંગ્રેસ દ્વારા એક ખાસ સમિતિનું પણ ગઠન કરાયું છે. સાથે સાથે હિન્દુત્વની રણનીતિને સાર્થક કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા વિશેષ બજેટ પણ ફાળવાયું હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં સારા પરિણામો બાદ કોંગ્રેસ હવે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ટાર્ગેટ કરીને બેઠી છે.
કોંગ્રેસ માટે ધર્મ એ આસ્થા-શ્રદ્ધાનું પ્રતીક, ધાનાણીએ તો વાત રાખી છે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
કોંગ્રેસ દ્વારા રાજ્યના રામમંદિરોનો જીણોધ્ધાર અને મંદિરોમાં શંખ સહિત પૂજાપાની કિટનું વિતરણ અંગેના નિવેદન બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનિષ દોશીએ બચાવ કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસ માટે ધર્મ એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે, નોટ અને વોટ ભેગા કરવાનું માધ્યમ નથી. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોઈ નિર્ણય લીધો નથી તેમણે તો માત્ર એક વિચાર મૂક્યો છે, જે તેમનો અંગત મત છે. પરંતુ ચૂંટણી પહેલાં ભાજપ કહે છે કે કસમ રામ કી ખાતે હૈ મંદિર વહીં બનાએંગે પરંતુ ચૂંટણી પછી ભાજપ કહે છે કે કસમ રામ કી ખાતે હૈ મંદિર નહીં બનાએંગે એમ જણાવી પરેશ ધાનાણીના નિવેદનથી હાથ અધ્ધર કરી લીધા હતા.
કોંગ્રેસનો વિચાર આચારએ મુખ મેં
રામ બગલ મેં છુરી જેવો : ભાજપ
અમદાવાદ,તા.૯
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભગવાન રામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આખો દેશ ભગવાન રામને માને છે અને પૂજે છે. કોંગ્રેસ પણ હવે તેમને માનવા લાગીને કાર્યક્રમો આપવાનો પ્રયાસ કરે છે તે ખોટું નથી, સારી વાત છે પરંતુ કોંગ્રેસનો ઇરાદો માત્ર રાજકીય અને નાટકીય છે. એક બાજુ કોંગ્રેસ ભગવાન રામનું અસ્તિત્વ જ નથી, તે કાલ્પનિક પાત્ર છે તેમ કહે છે. કોંગ્રેસના કપિલ સિબ્બલ રામમંદિર જલ્દી ન બને તે માટે કોર્ટમાં ૨૦૧૯ પછી રામ મંદિરનો ચુકાદો આવે તેમ કહે છે. એટલે અયોધ્યામાં રામ મંદિર ન બને તેવા કોંગ્રેસના કાવા-દાવા રહ્યા છે. કોંગ્રેસ પહેલા જાતિવાદ, કોમવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાની વિચારધારા બંધ કરે તો તે ભગવાન રામને ભજવા કે પૂજવા બરાબર છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિચાર-આચારએ મુખ મેં રામ ઔર બગલ મેં છુરી જેવો છે. કોંગ્રેસ જેએનયુના કેટલાક લોકોની રાષ્ટ્ર વિરોધી, હિન્દુત્વ વિરોધી કાર્યક્રમોમાં જાય છે તેવા લોકોને પ્રોત્સાહન આપે છે. કોંગ્રેસ મુસ્લિમ મહિલાઓની સમાનતા, માનવતા, સમ્માન અને આર્થિક-સામાજિક સુરક્ષા માટેના તલાક બિલનો વોટબેંકની રાજનીતિને કારણે રાજ્યસભામાં વિરોધ કરે છે. વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ માટે હિન્દુત્વએ સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતા છે. કોંગ્રેસ માટે એ રાજકીય દંભ હોઈ શકે છે. પરંતુ ભાજપ માટે હિન્દુત્વ એ જીવનશૈલી છે. સર્વધર્મ સમભાવ છે, સૌનો સાથ સૌનો વિકાસ છે.