ગુજરાતમાં ભાજપના ઉમેદવારો નહી પણ ખુદ પીએમ અને મંત્રીમંડળ ચૂંટણી લડી રહ્યું છે

અમદાવાદ,તા.૨૩
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ગુલામનબી આઝાદે આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ ભાજપ સરકાર ડરેલી છે. મોદી સરકારે વિપક્ષોને અંધારામાં રાખી સંસદનુ સત્ર સમયસર બોલાવ્યું નથી. ચૂંટણીને લઇ ભાજપ કયારેય ધર્મ તો કયારેક જાતિના નામે લોકો સાથે છેતરપીંડી કરી રહી છે. અમિત શાહના પુત્ર જય શાહની રૂ.૫૦ હજારમાંથી રૂ.૮૦ કરોડ બનાવવાની ફોર્મ્યુલા કોઇ ના પૂછે એટલે સંસદનું સત્ર નહી બોલાવ્યાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ગુલામનબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સરની બિમારીને લઇ ભાજપના મંત્રીએ આપેલા નિવેદન પરથી ભાજપની માનસિકતા અને નેતાઓનું ચરિત્ર સ્પષ્ટ થઇ જાય છે. નાના રાજયોની ચૂંટણી હોય તો પણ બે મહિના પહેલા મોદી સરકારના કેબીનેટ મંત્રીઓ ગાયબ થઇ જાય છે, તેથી ભાજપની કેન્દ્રીય કેબીનેટનું નામ બદલવુ જોઇએ અને યુનિયન કેમ્પેઇન કેબીનેટ કરવું જોઇએ. ખરેખર તો, જનતાની સેવા માટે કેબીનેટ મંત્રીઓ દિલ્હીમાં હોવા જોઇએ પરંતુ આ કેબીનેટ માત્ર ચૂંટણી પ્રચારનું જ કાર્ય કરી રહ્યું છે. યુપીએ સરકારમાં આવું ન હતું. કોઇ જગ્યાએ ચૂંટણી હોય અને પ્રચાર કરવાનો થાય તો પણ બે કે ચાર મંત્રીઓ આવતાં પરંતુ મોદી રાજમાં તો આખેઆખુ કેબીનેટ જ પ્રચારમાં ઉતરી જાય છે. તેમણે હળવો કટાક્ષ કરતાં વધુમાં જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ ખુદ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ ચૂંટણી લડી રહ્યા છે. સંસદના શિયાળુ સત્રમાં ભાજપને તેમના ખોટા કાયદા અને ભ્રષ્ટાચાર બહાર આવવાનો ડર છે અને તેથી વિપક્ષોને અંધારામાં રાખી સંસદનું સત્ર હજુ બોલાવ્યું નથી. નોટબંધી અને જીએસટીને લઈને પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks